કામરેજના હલધરૂ ગામે ૪૦ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કરતા રાજ્યના શિક્ષણમંત્રી
જીએનએ સુરત: કામરેજ તાલુકાના હલધરૂ ગામે રૂ.૪૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કરાયું હતું. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત હલધરૂ પ્રા. શાળામાં ધો.૧ થી ૮ના કુલ ૨૨૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળામાં ૫ ઓરડાઓ બનાવવામાં આવશે, જેમાં ૨ સ્માર્ટ ક્લાસ ઉભા કરાશે. નવું સુવિધાયુક્ત ભવન સાકાર થવાના કારણે તેમજ આધુનિક સ્માર્ટ કલાસના કારણે બાળકોને આધુનિક અને વૈશ્વિક સ્તરનું શિક્ષણ મળશે.
આ પ્રસંગે પ્રફુલભાઈએ જણાવ્યું કે, રાજ્યમાં આ વર્ષે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સરકારે વિવિધ શાળાઓમાં નવા ૧૦ હજાર ઓરડાઓ મંજૂર કરી વર્ક ઓર્ડર આપી દીધા છે, અને આગામી એક થી દોઢ વર્ષમાં બીજા નવા ૧૫ થી ૨૦ હજાર ઓરડાઓ દરેક ગામોમાં નિર્માણ પામે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. આવનાર સમયમાં શિક્ષણ ક્ષેત્રે ખૂટતી સુવિધાઓ પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્યો ભારતીબેન રાઠોડ અને મંજુબેન રાઠોડ, તા.પંચાયત પ્રમુખ બળવંતભાઈ, કામરેજ તાલુકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ, સરપંચ જયેશભાઈ, અગ્રણી હિરેનભાઈ પટેલ, ધીરુભાઈ, ગામના આગેવાનો, ગ્રામજનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.