પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ કરતા શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયા

જીએનએ સુરત રાજ્યમાં શિક્ષણ પ્રત્યે સજાગ રહી રાજ્યના બાળકો વધુ શિક્ષણ પ્રત્યે પ્રેરિત બની રાજ્યનું નામ રોશન કરે તેવા પ્રયાસો રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સંત શ્રી બજરંગદાસ બગદાણાવાળા બાપા સીતારામ પ્રાથમિક શાળા અને શ્રી પુરુષોત્તમજી પ્રાથમિક શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સંત કવિશ્રી નરસિંહ મહેતા પ્રાથમિક શાળા (ઈંગ્લીશ મીડીયમ) ની મુલાકાત લીધી હતી અને હર્ષોલ્લાસના વાતાવરણમાં સ્વર્ણિમ ભારતનું ભવિષ્ય એવા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ તકે રાજ્ય શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર શિક્ષણનો વ્યાપ વધે અને અંત્યોદયના વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાયુક્ત બને એ માટે સતત કાર્યશીલ છે અને આગળ પણ સતત કાર્યશીલ રહેશે. તેઓ દ્વારા બાળકો સાથે વાર્તાલાપ કરી શિક્ષણ પ્રત્યે બાળકોને જાગૃત કર્યા હતા અને ભવિષ્યમાં પણ પૂર્ણ શિક્ષા દ્વારા ભારતના ભાવિ ગણાતા બાળકોને દેશનું નામ રોશન કરવા માટે ઉત્સાહિત કર્યા હતા.