વલસાડના ઉમરગામ તાલુકામાં નારગોલ પાસે યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે યુવકની હત્યા મામલે તેમના જ બે મિત્રની ધરપકડ કરી છે. ઉછીનાં નાણાંની વસૂલાત માટે યુવકની હત્યા નીપજાવી હત્યારાઓએ મૃતકના મોબાઈલમાંથી 2 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે બંને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બંને આરોપીએ મૃતકને દારૂની પાર્ટીના નામે બોલાવી ગળેટૂંપો આપી હત્યા નીપજાવી હતી. ત્યાર બાદ ઝેરી દવા પીવડાવી દીધી હોવાનું સામે આવ્યું છે.ઉમરગામના નારગોલના બારીઆવાડમાં રહેતો તરલ બારિયા 12 માર્ચે તેમના મિત્રો સાથે દરિયાકિનારે પાર્ટી કરવા જવાનું કહી નીકળ્યા બાદ ઘરે પરત ફર્યો નહોતો. રાત્રિના સમયે તેમના પરિવારજનોએ ફોન કરતાં તરલે ફોન પણ ઉપાડતો નહોતો. બીજા દિવસે નારગોલ નવા તળાવ પારસી ડુંગરવાડી પાછળના ભાગે ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં તરલની લાશ મળી આવી હતી.
તરલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળેટૂંપો આપી હત્યા નિપજાવાઈ હોવાનું ખૂલતાં પોલીસ ચોંકી ઊઠી હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તરલની હત્યા મામલે પોલીસે તરલની સાથે જ વેસ્ટર્ન કંપનીમાં નોકરી કરતા અને તેમના મિત્ર ધ્રુવલ ઉર્ફે ઋતિક કૈલાસ કોળી પટેલ અને તેનો મિત્રો જય જગદીશ કોળી પટેલની અટકાયત કરી લીધી છે. આ બંને આરોપી છેલ્લા એક વર્ષથી ઓનલાઈન કેસિનો એપમાં રોકાણ કરતા હતા. ધ્રુવલને જ્યારે રોકાણમાં સારોએવો નફો મળતો હતો ત્યારે તેમના મિત્ર તરલને 90 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા, પરંતુ સમય જતાં ધ્રુવલને ઓનલાઈન કેસિનોમાં 15 લાખ જેવું નુકસાન થયું હતું. જેથી તરલને આપેલા પૈસા પરત માગવાની શરૂઆત કરી હતી.બંને આરોપીએ ઠંડા કલેજે તરલની હત્યા નિપજાવ્યા બાદ મૃતકના મોબાઈલમાં ફોન પે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ત્યાર બાદ મૃતકના ખાતામાંથી બે લાખ કરતાં વધુની રકમ કટકે કટકે ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધી હતી. આરોપીની આ ભૂલ જ પોલીસને આરોપી સુધી લઈ ગઈ હતી. તરલની લાશ મળ્યા બાદ આરોપીઓ સુધી પહોંચવું પોલીસ માટે થોડું મુશ્કેલ હતું, કારણ કે આરોપીઓ અને મૃતક હંમેશાં વ્હોટ્સએપ પર જ વાતચીત કરતા હતા, પરંતુ પોલીસે મોબાઈલની તપાસ અને બેંક ડિટેઈલ્સ મેળવતા આરોપીઓનો ભાંડો ફૂટી ગયો હતો
#Share #ICMNEWS