*ધોરડોમાં જી-૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો અભિભૂત*

*રંગારંગ કાર્યક્રમોના માધ્યમથી રજૂ થઈ ગુજરાતની સંસ્કૃતિ: “વસુધૈવ કુટુમ્બકમ” નૃત્ય છવાયું*

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીશ્રીઓ ની પ્રેરક ઉપસ્થિતિ

 

કચ્છના ધોરડોમાં જી-૨૦ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકના પ્રથમ દિવસે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગાલા ડિનરનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ જોઈને વિદેશી મહેમાનો અભિભૂત થઈ ગયા હતા.

મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ,

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રીશ્રી જી. કિશન રેડ્ડી, ગુજરાત ના પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર,પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

સૂર્યાસ્ત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો, ત્યારે ધોરડોની સફેદ રણની ધરા પર જાણે ગુજરાત તેમજ દેશની અસ્મિતાના રંગો પથરાયા હતા.

જયતુ જયતુ ગુજરાત ગીત અને નૃત્યથી આ રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

મહિલાઓએ કચ્છી ગીતના માધ્યમથી કચ્છની સંસ્કૃતિ અને કલાને વિશ્વના વિવિધ દેશોમાંથી પધારેલા મહેમાનો સમક્ષ ઉજાગર કરી હતી.

 

બાદમાં મહિલાઓના વૃંદે રજૂ કરેલી નર્મદા અષ્ટકમની પ્રભાવશાળી પ્રસ્તુતિએ ઉપસ્થિત સર્વના મન મોહી લીધા હતા.

સીદીઓના ધમાલ નૃત્ય બાદ જી-૨૦ના લોગો “વસુધૈવ કુટુમ્બકમ”ની થીમ પર વિવિધ કલાકારોએ નૃત્ય રજૂ કર્યા હતા જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.

આ નૃત્યને અતુલ્ય પ્રતિભાવ મળ્યો હતો.

વિદેશ મંત્રાલયના ડી. ડી.જી., આઈ.સી.સી.આર. શ્રી અભયકુમાર તેમજ અન્ય મહાનુભાવોએ આ ગ્રુપના કલાકારોને સ્ટેજ પર જઈને બિરદાવ્યા હતા.

આ અવસરે ભવ્ય આતશબાજી પણ કરાઈ હતી.

 

આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે, ત્યારે ગાલા ડિનરમાં મિલેટ્સની વિવિધ વાનગીઓ પણ વિદેશી મહેમાનોને ભોજન માં પીરસવા માં આવી હતી.

 

આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગના સચિવશ્રી અરવિંદસિંઘ, રાજ્યના નાણાં વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, રાજ્યના પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લ, ગુજરાત પ્રવાસન વિભાગના મેનેજીંગ ડિરેકટર શ્રી આલોક પાંડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.