DGICG દ્વારા ગુજરાત પ્રદેશના બે ICGના એકમોની પ્રશંસા

ગુજરાત પ્રદેશના ભારતીય તટ રક્ષક જહાજને શ્રેષ્ઠ જહાજનું મળ્યું સન્માન

જીએનએ અમદાવાદ: ભારતીય તટરક્ષક દળ (ICG)ના 47મા રાઇઝિંગ ડેના ભાગ રૂપે, ભારતીય તટરક્ષક દળના મુખ્યાલયે સમગ્ર તટરક્ષક દળ માટે વિવિધ યુનિટને અપાયેલા પુરસ્કારોની જાહેરાત કરી છે. જાહેર કરવામાં આવેલા પુરસ્કારોમાં, પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ)ના બે એકમો એટલે કે, ભારતીય તટરક્ષક દળ જહાજ (ICGS) અરિંજય અને હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ (HMU) ઓખાને સંબંધિત વર્ગમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે.

 

ઓખા ખાતે તૈનાત ICGS અરિંજય (ફાસ્ટ પેટ્રોલ જહાજ) વિવિધ કામગીરીમાં સામેલ છે, જેમાં તાજેતરમાં જ કરવામાં આવેલી જપ્તિ દરમિયાન પ્રથમ વખત રૂપિયા 300 કરોડના મૂલ્યનો 40 કિલો માદક દ્રવ્યો અને હથિયારો અને દારૂગોળો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જહાજે શંકાસ્પદ પાકિસ્તાની હોડીને હિંમતભેર પડકારી હતી અને સમુદ્રમાં વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ તે હોડીમાંથી 10 ક્રૂની ધરપકડ કરી હતી.

 

હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ (HMU)ને ઓપરેશનલ ચક્ર દરમિયાન પ્રદેશના ICG હોવરક્રાફ્ટના કાફલાને સક્રિય સમર્થન અને અસરકારક જાળવણી માટે સૌથી વધુ આવિષ્કારી ICG અફ્લોટ સપોર્ટ યુનિટ તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યું છે.

 

દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક દ્વારા કમાન્ડિંગ ઓફિસરોને પુરસ્કારો એનાયત કરવામાં આવશે.