*શાસકની સંવેદના….*
*૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં*
***********
*ગઇકાલે રાત્રે ૧૦:૦૦ કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી અંગદાતાના પરિવારનો ઋણસ્વીકાર કરતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ*
*******
“અંગદાન મહાદાન”ના સેવામંત્રને આત્મસાત કરીએ – શ્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્યમંત્રી, ગુજરાત
******
રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે શાસનની સંવેદનાનો પુન: એક વાર પરિચય કરાવ્યો.
વાત જાણે એમ બની કે, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સિવિલ હોસ્પિટલમાં ચાલતી કામગીરી સંદર્ભે સિવિલ ગઇ કાલે સુપ્રિટેન્ડેન્ટને ફોન કર્યો, ત્યારે વાતચીત દરમિયાન સુપ્રિટેન્ડેન્ટશ્રીએ મંત્રીશ્રીને એવી જાણકારી આપી કે સિવિલ હોસ્પિટલમાં આજે ૧૦૦ મું અંગદાન થશે.
આ જાણકારી મળતા મંત્રીશ્રીએ અંગદાનના સેવાકીય કાર્યના નિર્ણયકર્તા પરિવારનો ઋણસ્વીકાર કરવા સિવિલ જવાનું નક્કી કર્યું.
મંત્રીશ્રી રાત્રે દસ કલાકે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ૨૬ વર્ષીય બ્રેઈનડેડ યુવકના અંગદાન પૂર્વેની પ્રાર્થનામાં સહભાગી થયા.
આરોગ્ય મંત્રીશ્રીએ અંગદાતાના પરિવારજનોના સેવાભાવને બિરદાવતા કહ્યું કે, અંગદાન થકી માણસ મૃત્યુ બાદ અન્ય વ્યક્તિને નવું જીવન આપે છે. તેમણે ઉમેર્યું અંગદાનનો નિર્ણયકર્તા મહાન આત્માઓ ભારતીય સંસ્કૃતિના “સેવા પરમો ધર્મ”ના મંત્રને ચરિતાર્થ કરે છે.
સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૦૦ માં અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા .
જ્યાં ૨૪ જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.
સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા તેમના પિતાશ્રી અને પરિવારજનોને અંગદાનની સમજ આપવામાં આવી ત્યારે તેમના પિતા મહેન્દ્રભાઈ ઝાલાએ દીકરાના
અંગદાનનો નિર્ણય કર્યો.
અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની, ફેફસાં, લીવર, હ્રદયનું દાન મેળવવા સફળતા મળી છે.