અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી
જીએનએ અંબાજી: શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું હોવાથી ભક્તો મોટી સંખ્યામાં અવારનવાર દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.અંબાજી ખાતે માં અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે.આજે બાબા રામદેવપીર ભગવાનની અજવાળી બીજ ના દિવસે અંબાજી ભાટવાસ ખાતે ટેકરી થી ઓળખાતા બાબા રામદેવપીર મંદિર ખાતે સવારે બાબાને શણગાર કરવામાં આવ્યો હતો.મોટી સંખ્યામા ભક્તો બાબા રામદેવપીર મા દર્શન કરવા આવ્યા હતા.
સમગ્ર અંબાજી ધામ બાબા રામદેવ કી જય ના નાદ સાથે ગુંજી ઉઠયું હતુ.આજે સવારે બાબા રામદેવપીર મંદિર થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.અંબાજી ના માર્ગો પર અને સમગ્ર અંબાજી પંથકમા આ શોભાયાત્રા નીકળી ત્યારે ભક્તો શોભાયાત્રાના અને બાબાના દર્શન કરવા આવ્યા હતા.અંબાજી ખાતે ભાટવાસ વિસ્તારમાં પ્રાચીન બાબા રામદેવપીર નું મંદિર આવેલું છે.અંબાજી ના આ મંદિરમાં ગ્રામજનો અને બહારના ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.આ મંદિર ખાતે વર્ષ દરમિયાન ઘણા કાર્યક્રમો ઉજવાય છે જેમાં રાજસ્થાનના ભક્તો અને ગુજરાતના ભક્તો અહીં આવી બાબાની આરાધના કરે છે.કોરોના કાળ બાદ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
:- અંબાજી ખાતે 1967 મા મંદિર બનાવવામાં આવ્યું હતું :-
અંબાજી ભાટવાસ મા આવેલું બાબા રામદેવપીરનું મંદિર ટેકરી થી પ્રખ્યાત છે આ મંદિરની 1967 મા સ્થાપના કરી બનાવવામાં આવ્યું હતું.અંબાજી ના અગ્રણી વસંતભાઈ વણઝારાએ જણાવ્યું હતું કે આજથી 22 વર્ષ પહેલા અમે રણુજા થી અખંડ જ્યોત લાવી હતી અને હાલ પણ અખંડ જ્યોત આ મંદિર મા ચાલે છે.આજે સવારે બાબાને શણગાર કરાયો હતો .શોભાયાત્રા કાઢવામા આવી હતી અને રાત્રે ભજન કાર્યક્રમ નું પણ આયોજન કરાયુ છે.રાજસ્થાનના પ્રખ્યાત કલાકાર ગજેન્દ્ર જી રાવ રાત્રે ભજન સંધ્યામાં હાજર રહેશે અને આ કાર્યક્રમ મા મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે.શોભાયાત્રા બાદ પ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.
:- બાબા રામદેવપીર વિષે માન્યતા :-
બાબા રામદેવમહારાજ ની વાત કરવામા આવે તો તેઓ તંવર રાજપુત કૂળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર તરીકે માને છે.પ્રભુશ્રી કૃષ્ણજ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા તેવું પણ શાસ્ત્રો મા વાંચવામાં આવેલ છે. ઘણા ભક્તો તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે.ઇતિહાસમાં તેના ઘણા પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લીમ પીર બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને ‘રામશાહપીર’નુ નવુ નામ પણ આપ્યુ હતુ ત્યારથી મુસ્લીમ લોકો પણ બાબા રામદેવપીરને એજ માન અને આદરથી ભગવાન માને છે.બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલાયેલી હતી. શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નીમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા હતા.તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે 1459 માં સમાધી લીધી હતી. તે સમયે તેમની ઉમર માત્ર 42 વર્ષની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંઘે 1931 માં તેમની સમાધી ઉપર મંદિર બંધાવ્યુ હતું.બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ, ચુરમુ, ગુગળ ધુપ અને કપડાંના ઘોડા ચઢાવે છે. તેમની સમાધી રાજ્સ્થાનના રામદેવરા પાસે આવેલી છે.આજે પણ ઘણા ભક્તો રણુજા શ્રાવણ માસ થી ભાદરવા માસ મા ગુજરાત અને બહારના રાજ્યોથી ચાલતા અને વાહનો દ્વારા રણુજા આવી દર્શન કરે છે.અહીં આ સમયમાં મેળા જેવો માહોલ હોય છે.