*📌30 ફૂટ ઊંડી ડ્રેનેજ લાઈન નાં ધસમસતા પાણીમાં યુવક ગરકાવ*

 

🔸 અમદાવાદમાં 7 કલાકથી આધુનિક સાધનો અને લાઇટની મદદથી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ

 

અમદાવાદનાં સરખેજ સાણંદ ચોકડી ઉપર આવેલી સાવન હોટલની સામે ડ્રેનેજ લાઈનમાં એક 30 વર્ષનો યુવક પડી જતાં છેલ્લા 7 કલાકથી અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ડ્રેનેજ લાઈનનુ ઢાંકણું નાખવા માટેનું બોક્સ બનાવવાનું ચણતરનું કામ બે મજૂરો દ્વારા કરવામાં આવી રહ્યું હતું. સાંજે ચારેક વાગ્યાની આસપાસ એક મજૂર કોઈ વસ્તુ લેવા ગયો ત્યારે બીજો મજૂર મળ્યો ન હતો. જેથી મજૂર ડ્રેનેજ લાઈનમાં પડી ગયો હોવાની શંકાને લઇ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા અત્યાધુનિક સાધનો અને કોર્પોરેશનના ડ્રેનેજના સાધનોની મદદથી હાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

હાલમાં ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યાં પણ મેઈન હોલ નાં ઢાંકણા છે. તેને ખોલીને તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હજી સુધી યુવક મળ્યો નથી. એક તરફ બીજી પણ વાત સામે આવી રહી છે કે ખરેખર યુવક અંદર પડી ગયો છે કે પછી ક્યાંય જતો રહ્યો છે. જોકે હાલમાં ફાયરબ્રિગેડની મદદથી સૌપ્રથમ અંદર પડી ગયો હોવાની વાતને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે. ડ્રેનેજ લાઈનમાં રાત્રે પાણીનો ફ્લો ઓછો હોવાથી આખી રાત તમામ મેઇન હોલના ઢાંકણા ખોલી અને તપાસ કરવામાં આવશે.