સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે ધનશેર પ્રાથમિક શાળામાં આનંદોત્સવ ઉજવાયો
(એલ. એન્ડ ટી. કંપની હજીરા તથા મહાકાલ એજ્યુકેશન ગૃપ દ્વારા અનોખું આયોજન)
ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ધનશેર પ્રાથમિક શાળા ખાતે શાળાનાં બાળકોમાં સર્વ ધર્મ સમભાવની ભાવના કેળવાય તે હેતુથી એલ. એન્ડ ટી. કંપની હજીરા (સુરત) તથા મહાકાલ એજ્યુકેશન ગૃપનાં સહયોગથી તાજેતરનાં નાતાલ પર્વની ઉજવણીનાં ભાગરૂપે શાળામાં આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાનાં બાળકોને નાતાલ પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળકોએ ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરી વિવિધ ગીતો પર ડાન્સ કર્યો હતો. સાથે જ સૌ જુદી જુદી રમતો રમ્યા હતાં. સાન્તાક્લોઝ દ્વારા બાળકોને વિવિધ ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
આ ઉત્સાહભર્યા માહોલમાં શાળાનાં તમામ બાળકોએ સ્વાદિષ્ટ મિસળપાંવની જયાફત માણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્ય રસિક રાઠોડ સહિત સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ કાંતિભાઈ પટેલે અંતમાં આભારવિધિ આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.