બોગસ પાસપોર્ટથી લોકોને અમેરિકા-મેક્સિકો-કેનેડા-તુર્કી મોકલનારા ‘કબૂતરબાજ’ને દબોચી લેતું.
♦ જાન્યુઆરી મહિનામાં અમેરિકા-કેનેડા બોર્ડર પર આખેઆખો પરિવાર ઠંડીને કારણે થીજીને મોતને ભેટ્યો તેમને પણ ‘કબૂતરબાજ’ ભરત ઉર્ફે બોબી પટેલે જ મોકલ્યો’તો
♦ ઑફિસમાં તપાસ કરતાં 94 બોગસ પાસપોર્ટ તેમજ યુરોપીય દેશોના સેન્ઝેન વિઝા મેળવવા માટેના દસ્તાવેજો કબજે
♦ ભરત ઉર્ફે બોબી સામે કોલકત્તા, મુંબઈ, દિલ્હી સહિતના શહેરોમાં પણ બોગસ પાસપોર્ટના નોંધાયેલા ગુના: મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ભાંડાફોડ કરવામાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી સફળતા
2022ના જાન્યુઆરી મહિનામાં કેનેડા બોર્ડરથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલો ગુજરાતનો ચાર લોકોનો પરિવાર ઠંડીને કારણે થીજી જવાથી મોતને ભેટતાં સનસનાટી મચી જવા પામી હતી. આ લોકોને બોગસ પાસપોર્ટ બનાવી અમેરિકામાં ઘૂસાડવાનું કાવતરું ચાલી રહ્યાની આશંકાને પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી તેમાં સફળતા મળી નહોતી.
જો કે ગુનો બને એટલે ગુનો આચરનારને જડમૂળથી ‘ખંખેરી’ નાખવા માટે જાણીતા સ્ટેટ મોનિટરિંગ સેલે આ કૌભાંડ સહિત ગુજરાતમાંથી અનેક લોકોને બોગસ પાસપોર્ટ થકી અમેરિકા-તુર્કી-મેક્સિકો-યુરોપ સહિતના દેશોમાં મોકલી દેનારા ‘કબૂતરબાજ’ ભરત ઉર્ફે બોબી પટેલને પકડી પાડી મોટા રેકેટનો ભાંડાફોડ કર્યો છે.
રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા, સ્ટેટ મોનિટરિંગ સેલના એડીજીપી નીરજા ગોટરી, સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયા સહિતના અધિકારીઓ-સ્ટાફની ટીમે ગુજરાતમાં વિવિધ ગુના આચરી નાસતાં ફરતાં મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ હાથ ધરી હોય તે ઝુંબેશ અંતર્ગત ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ મથકમાં જુગાર સહિતના કેસોમાં સંડોવાયેલો અને છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ (રહે.બંગલો નં.85, સુપરસિટી ગ્લોરી, ભાડજ સર્કલ-અમદાવાદ) ગાંધીનગર આવ્યો છે. બાતમી મળતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રાટકીને ભરતને ગાંધીનગર ખાતેધી પકડી લીધો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલના જણાવ્યા પ્રમાણે ભરત પટેલ વિરુદ્ધ 2022માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સીઆઈડી ક્રાઈમ-ગાંધીનગરમાં બોગસ પાસપોર્ટ બનાવવા અંગેના ગુનાઓ નોંધાયેલા છે જેમાં તે નાસતો ફરતો હતો. ભરત ઉર્ફે બોબી પટેલ સામે કોલકત્તા, મુંબઈ અને દિલ્હીમાં પણ કબૂતરબાજીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ભરત ઉર્ફે બોબી મુખ્યત્વે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવી રહ્યો હતો.
ધરપકડ બાદ ભરત ઉર્ફે બોબી રામાભાઈ પટેલની સઘન પૂછપરછ કરતાં તેણે કબૂલાત આપી હતી કે તે ખોટા પાસપોર્ટ-વિઝા માટે બનાવટી દસ્તાવેજો બનાવી કબૂતરબાજીનું કામ કરતો હતો જેથી પોલીસે તેની ચાંદલોડીયા તેમજ ગુજરાત વિદ્યાપીઠ પાછળ આવેલી ઑફિસની તલાશી લેતાં ત્યાંથી 94 જેટલા પાસપોર્ટ, બે લેપટોપ તેમજ યુરોપીય દેશોના સેન્ઝેન વિઝા મેળવવા માટેના દસ્તાવેજો મળી આવતાં તેનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરત ઉર્ફે બોબી પટેલની ‘એન્ટ્રી’ પર અમેરિકાએ મૂક્યો છે 99 વર્ષનો પ્રતિબંધ !
લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી મોટાપાયે ‘કબૂતરબાજી’ કરતાં સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે પકડાયેલા ભરત ઉર્ફે બોબી પટેલ ઘણા સમય પહેલાં અમેરિકામાં ઘૂસણખોરી કરતો પકડાઈ જતાં અમેરિકાની કોર્ટે તેને ડિપોર્ટ કરવાનો આદેશ આપી અમેરિકામાં તેના ઘૂસવા ઉપર 99 વર્ષનો પ્રતિબંધ મુકી દીધો હતો. આ પછી 2002માં ભરત પટેલે વધુ એક પાસપોર્ટ કઢાવ્યો હતો કારણ કે તેને ડર હતો કે એકના એક પાસપોર્ટથી ટ્રાવેલ કરવામાં જોખમ સર્જાઈ શકે છે. આ પછી તે પોતાના નામ, અટક, જન્મતારીખ તેમજ સરનામામાં ફેરફાર કરાવીને એક પછી એક પાસપોર્ટ કઢાવતો ગયો હતો.
અહો આશ્ચર્યમ્…ભરત પટેલની પત્ની, બે બાળકો અને માતા-પિતા અમેરિકાના નાગરિક પણ બની ગયા !!
પોલીસ તપાસમાં એ વાતનો પણ ભાંડાફોડ થયો છે કે ભરત ઉર્ફે બોબી પટેલે તેની પત્ની, બે બાળકો અને માતા-પિતાને અમેરિકામાં જ સેટલ કરી દીધા છે અને હાલ આ તમામ અમેરિકી નાગરિક બનીને રહે છે. ભરતની સાથે આ રેકેટ ચલાવવામાં યોગેશ સથવારા, ભૃગેશ પટેલ અને રાજેશ પટેલ પણ સંડોવાયેલા હોવાની સંભાવના સેવાઈ રહી હોવાથી તેમની ધરપકડ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
ભરતે 2004માં મુંબઈથી કમલ શાહના નામે કઢાવ્યો’તો પાસપોર્ટ: આખા દેશમાંથી તેણે 21 પાસપોર્ટ કઢાવ્યા છે
અમેરિકામાં એકવાર પકડાઈ ગયા બાદ પણ ભરત ઉર્ફે બોબી પટેલ સુધરી રહ્યો નહોતો. 2004માં તેણે મુંબઈથી કમલ શાહના નામે પાસપોર્ટ કઢાવ્યો હતો જેમાં તેણે જન્મતારીખ બદલાવી નાખી હતી. આ ઉપરાંત તેણે અમદાવાદ અને મુંબઈની પાસપોર્ટ ઑફિસમાંથી સાત જેટલા પાસપોર્ટ કઢાવ્યાની આશંકા સેવાઈ રહી છે. એકંદરે ભરત પટેલ પાસે અત્યારે કુલ 21 જેટલા પાસપોર્ટ હોવાનું ખુલતાં તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.