રાજકોટ : સોની પરિવારના સામુહિક આપઘાતના પ્રયાસમાં ધવલનું મોત,એક ઝબ્બે : ત્રણ વ્યાજખોરો હજુ પોલીસ પકડથી દુર
શુક્રવારે ઘરે જતી વેળાએ કીર્તિભાઈએ ભાઈ પાસેથી રૂ.500 ઉછીના લઈ બજારમાંથી જંતુનાશક દવા ખરીદી:ગઈકાલે ધવલનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કરતા પોલીસે દોડી ન્યાયની ખાતરી આપતા અંતે મૃતદેહ સ્વીકાર્યો
સંજયસિંહ ઝાલા,યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબશાની શોધખોળ:આપઘાતની ફરજ અંગેની કલમનો ઉમેરો કરવા તજવીજ:હજુ દંપતીની હાલત પણ ગંભીર
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી લોકોએ પોતાનો જીવ દઈ દીધાના અનેક કિસ્સા બન્યા છે.તેમજ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા લોકદરબાર પણ યોજવામાં આવ્યા છે.પરંતુ વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે નાના ગરીબ પરિવારનું જીવન જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે.તેવામાં યુનિવર્સિટી રોડ પર મિલાપનગર-2માં રહેતા અને ઢેબર રોડ પર ધોળકીયા ઝેરોક્સ નામે વ્યવસાય કરતા કીર્તિભાઈ હરકિશનભાઈ ધોળકીયા(ઉ.વ.47),તેમના પત્ની મધુબેન (ઉ.વ.42), તેમના પુત્ર ધવલ(ઉ.વ.24)એ શનિવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં ધવલનું સારવાર દરમ્યાન ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું જ્યારે કીર્તિભાઈ અને તેમના પત્ની મધુબેન બન્ને સારવારમાં છે તેની હાલત પણ ગંભીર છે.
આ સમગ્ર બનાવમાં ફરિયાદી ધવલે આક્ષેપ કર્યો હતો કે,4 વ્યાજખોર આરોપી સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા,યુવરાજસિંહ ઝાલા,મહેબૂબશા, ધવલ પપ્પુ મુંધવા ઝેરોક્સના વેપારી કીર્તિભાઈ ધોળકીયાને દુકાન લખાવી લેવાની ધમકી આપતા અને પુત્રનું અપહરણ કરી જવાનું કહી ડરાવી નાણાંની ઉઘરાણી કરતા હતા જે મામલે ગઈકાલે સારવાર દરમિયાન જ ધવલે પોલીસને નિવેદન આપતા જેના આધારે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતી હતી.
ગઈકાલે પોલીસ ફરિયાદમાં પુત્ર ધવલે જણાવ્યું હતું કે,તેમના પિતાએ ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજય2ાજસિંહ ઝાલા પાસેથી રૂ.10 લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.50 હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબશા પાસેથી રૂ.8 લાખ અને ધવલ મુંધવા પાસેથી પણ અમુક રકમ વ્યાજે લીધી હતી.જેનું સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત પિતા પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા પોતાની દુકાન લખાવી લેવાની ફોન પર ધમકીઓ આપતા ત્રાસથી કંટાળીને પિતાએ મરી જવું સારું તેવું કહ્યું હતું અને તેમાં હું અને મારા માતા પણ સહમત થયા હતા.
બાદમાં મારા પિતા કોઈ દવાની શીશી લાવ્યા હતા તે પાણીમાં નાખી અમે ત્રણેય પાણી પી ગયા હતા.તેમના પિતાના મોબાઇલની કોલ ડિટેઇલ કાઢવામાં આવે તો નાણાંની ઉઘરાણી કરી ધમકી દેનાર અન્ય વ્યાજખોરોના નંબર મળી શકે તેવું ધવલે ફરિયાદમાં જણાવ્યું છે.
કીર્તિભાઈએ શુક્રવારે દુકાન પરથી ઘરે જતી વેળાએ તેમના ભાઈ પાસેથી રૂ.500 ઉછીના જંતુ નાશક દવા લેવા માટે લીધા હતા બાદમાં મોડી રાત્રે ત્રણેક વાગ્યે પત્ની અને પુત્ર સાથે પગલું ભરી લીધું હતું.આ બનાવમાં ગઈકાલે ધવલનું મોત નિપજતા તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.ત્યારે યુનિવર્સિટી પોલીસના પીઆઇ એ.બી.જાડેજા અને સ્ટાફ દોડી ગયો હતો તેમજ મૃતકના પરિવારને ન્યાયની ખાતરી આપતા અંતે પરિવારે ધવલનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને ગઈકાલે જ આરોપી ધવલ પપૂ ભરવાડની ધરપકડ કરી હતી તેમજ હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે.આ ઘટના અંગે હાલ આપઘાતની ફરજ અંગેની કલમનો ઉમેરો કરવા તજવીજ આદરી છે.