રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં પરિપત્ર કરી ગામતળના વાડાને નિયમબદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ તેમાં શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ ગામડાઓને બાકાત રાખવામાં આવ્યા હતા.
જેથી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ થયેલા ગામડાઓના પશુપાલકો-વાડાધારકોને અન્યાય થયો હતો. ત્યારે દશેલા ગામના પશુપાલકો છેલ્લા ઘણા સમયથી ગામતળના વાડા નિયમબદ્ધ કરવા માટે લડત આપી રહ્યા છે.
તેમણે મહેસૂલ મંત્રી, મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆતો કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં નહિ આવતા આખરે પશુપાલકોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય લીધો છે.
ગામના ભુવનેશ્વર મહાદેવ મંદિરે મળેલી પશુપાલકોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. તો મહિલાઓ પણ જોડાઈ હતી.