ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું જરૂરી છે – વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય

૦૦૦૦

ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી, એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને ભારતીય જૈન સંઘટના, જૈન સાત સંઘના સંયુકત ઉપક્રમે પુસ્તક, પુસ્તકાલય અને યૂટયુબ ચેનલનું લોકાર્પણ કરાયું

ભુજ, રવિવાર:

આજરોજ ભુજ ખાતે ક્રાન્તિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, તપગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને ભારતીય જૈન સંઘટના શ્રી જૈન સાત સંઘ ભુજના સંયુકત ઉપક્રમે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ ખાતે પુસ્તક, પુસ્તકાલય અને યૂટયુબ ચેનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, જૈનિઝમ પર શોર્ટ ટર્મ કોર્ષિસ શરૂ કરાયા છે તે ખરેખર અભિનંદનપાત્ર છે. આજે કોર્ષના સંદર્ભમાં સંશોધન અને અભ્યાસુઓને વધુ લાભ મળી શકે તે માટે પુસ્તકાલય અને યૂટયુબ ચેનલનું લોકાર્પણ કરાયું છે તેનાથી અભ્યાસુઓ લાભાન્વિત થશે. તેમણે ઉમેર્યું હતું કે, સંતો અને ભંગવતો દ્વારા લાઇબ્રેરીને ૧૨ હજારથી વધુ પુસ્તકો આપવામાં આવ્યા છે તે ખુબ જ ઉપયોગી થશે. આ પુસ્તકોની જૈનિઝમની વિચારધારા,મુલ્ય અને સંસ્કારોનું જતન થશે. તેમણે ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું આજની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે ડીજીટલ ઇન્ડીયાનો યુગ છે. ત્યારે વડાપ્રધાનશ્રી આ મુહીમને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે અહીં પણ યુટયુબ ચેનલ શરૂ કરીને ટેકનોલોજી સમન્વય કરાયો છે તે સારી બાબત છે.

આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જૈનિઝમ પર કોર્ષ સાથે આઇએએસ સ્ટીડી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનો તેનો લાભ લે તે જરૂરી છે. તેમણે પ્રાચીન ભારતના મુલ્યોને ઉજાગર કરવાની કચ્છ યુનિવર્સિટીની નેમ હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે પધારેલા સંતો-ભંગવતોએ ઉપસ્થિતોને ધાર્મિક સંદેશ આપ્યો હતો. વિવિધ સંઘના આગેવાનોશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર, સર્વ આગેવાનશ્રીમાં સાત સંઘના પ્રમુખશ્રી સ્મીતભાઇ ઝવેરી, મેહુલભાઇ ગાંધી, હિતેશભાઇ ખંડોર, જીગરભાઇ છેડા, કમલભાઇ મહેતા, હિમંતભાઇ ખંડોર, નવીનભાઇ , વિનોદભાઇ મહેતા સહીતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં જૈન સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

જિજ્ઞા વરસાણી