*જામનગર મહિલા અને મેઈન આઇ.ટી.આઇની સરપ્રાઇઝ વિઝીટ લેતા રાજ્યમંત્રી બ્રીજેશ મેરજા*

 

જીએનએ જામનગર: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ આજે કોઇપણ પ્રકારના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના મહિલા આઈ.ટી.આઈ. જામનગર અને મેઈન આઇ.ટી.આઇ. જામનગરની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી.જ્યાં તેઓએ આઇ.ટી.આઈ.ખાતે ચાલતી સમગ્ર કામગીરીનું લાઈવ નિરીક્ષણ કર્યું હતું. જેમાં તેઓએ ક્લાસીસમાં ચાલતા અભ્યાસ કાર્યક્રમો, તાલીમાર્થીઓને અપાઈ રહેલી તાલીમ, એડમિશનની સંખ્યા, કાર્યરત વિવિધ પ્રોજેક્ટસ તેમજ સ્ટાફ અંગેની જીણવટ ભરી માહિતી મેળવી હતી.

મંત્રીશ્રીએ પોતાની આ મુલાકાતમાં આઈ.ટી.આઇ.ના તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરી તેઓના પ્રતિભાવો પણ મેળવ્યા હતા. જેમાં તેઓએ સ્ટાઈ પેન્ડ, ટ્રેડને લગતા પ્રશ્નો, અભ્યાસ ક્રમ, પ્રોજેક્ટ વર્ક, તાલીમાર્થીઓના અન્ય પ્રશ્નો વગેરે બાબતે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓએ મહિલા આઈ.ટી.આઈ.ના પ્રિન્સીપાલ શ્રી જીગ્નેશ વસોયા અને મેઈન આઇ.ટી.આઇ. ના પ્રિન્સિપાલ શ્રી એમ.એમ. બોચિયા તેમજ સ્ટાફ સાથે બેઠક કરી તેઓના સૂચનો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મેઈન આઇ.ટી.આઇ. જામનગરની મુલાકાત લેતા પરીસરના કુદરતી વાતાવરણથી મંત્રીશ્રી પ્રભાવિત થયા હતા તેમજ વૃક્ષોના થઈ રહેલ જતન અંગે પ્રસંશા કરી હતી. મંત્રીશ્રીએ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ચાલતા વિવિધ વર્કશોપ ની મુલાકાત લઈને સ્ટાફ અને તાલીમાર્થીઓને પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું તેમજ જરૂરી સમીક્ષા કરી સૂચનાઓ આપી હતી. મુલાકાત બાદ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બંને આઈ.ટી.આઈ. ની સુવ્યવસ્થિત કામગીરી નિહાળી હું ખૂબ ગૌરવની લાગણી અનુભવુ છું. સ્ટાફની નિષ્ઠા, તાલીમાર્થીઓની અભ્યાસ શૈલી તેમજ અત્રે થઈ રહેલી સમગ્ર કામગીરી પ્રશંસનીય છે