માંડવી લોહાર યુવક મંડળ દ્વારા શસ્ત્ર પૂજન અને વેશભૂષા સાથે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી

માંડવી, તા.6: ઐતિહાસિક સમયથી માંડવીના લોહાર ચોક મધ્યે પાટલા ગરબી તરીકે ઓળખ ધરાવતી ગરબીમાં લોહાર યુવક મંડળના પ્રમુખ હેમાંગભાઈ કાનાણી અને અજયભાઈ આસોડીયાના માર્ગદર્શન હેઠળ દાંડિયારાસ હરીફાઈ, ગરબા હરિફાઈ, સાંસ્કૃતિક હરિફાઈ અને વેશભૂષા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજન ભાઈઓ અને બહેનો દ્વારા કરવાની સાથે સશસ્ત્ર ગરબા રાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

વેશભૂષા હરિફાઈમાં 38 બાળકો દ્વારા હિન્દુ ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરતા સરસ્વતી માં, લક્ષ્મીજી, માં મહાકાળી, માં ખોડીયાર, માં ભવાની, નવદુર્ગા માં, હનુમાજી મહારાજ, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, રાણી લક્ષ્મીબાઈ, ઝિઝાબાઈ જેવા વિવિધ પાત્રો ભજવામાં આવ્યા હતા. વેશભૂષા તથા દાંડિયારાસ હરીફાઈમાં 8 નંબર સુધીનાને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

લોહાર ચોક યુવક મંડળ દ્વારા પૂનમ સુધી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન અને 64 જોગણી દર્શન અને દાંડિયારાસ હરિફાઈમાં ૧ થી ૧૨ સુધીના ખેલૈયાઓને ઈનામ આપવામાં આવ્યા હતા. સાથે મહાપ્રસાદ અને દીકરીઓને વિવિધ લ્હાણીઓ કરવામાં આવી હતી. એવું કાર્યકારી અધ્યક્ષ નિર્મલકુમાર એ. આસોડીયાએ એક યાદીમાં જણાવ્યું હતું.