*લોધિકા તાલુકાના ચાંદલી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મળેલ સહાયથી પોતાનું ઘરના ઘરનું સપનું સાકાર કરતા ખેડૂત મગનભાઈ ખુંટ*

*મગનભાઈ અને પ્રભાબેનનો મંગલ ગૃહપ્રવેશ*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*રાજકોટ, તા.૩૦ સપ્ટેમ્બર -* પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર રાજ્યમાં લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના ૧૫,૦૦૦ જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચાંદલી ગામે ખેડૂત મગનભાઈ ખુંટને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મળેલ રૂ. ૧,૪૦,૦૦૦ની બાંધકામ સહાયથી તેમણે પોતાની માલીકીની ૧૩૬ વાર જગ્યામાં પોતાનું ઘરનું ઘર બનાવ્યું છે. જે અંગે વાત કરતા મગનભાઈએ કહ્યું હતું કે, અમારું જૂનું મકાન નળીયાવારૂ હતું. જર્જરીત થઈ ગયું હતું અને ચોમાસામાં તેમાંથી પાણી પણ ટપકતું હતું. ગામમાં સરપંચ દ્વારા આ યોજના વિશે જાણ કરવામાં આવી, એટલે અમે આ યોજનાનો લાભ લેવા ફોર્મ ભર્યું, થોડા સમય પછી અમારું આવાસ પાસ થઈ ગયું. અમને આ યોજનાનો લાભ મળ્યો અને આજે અમારું ઘરનું પાકું મકાન તૈયાર થઈ ગયું. આ માટે અમે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

મગનભાઈના ધર્મપત્ની પ્રભાબેન ખુંટ જણાવે છે કે, પહેલા જૂના મકાનમાં નળિયા ચારવા પડતા, ધૂળ માટીના કારણે ઘરમાં વારંવાર સાફ-સફાઈ કરવી પડતી, બહાર ખેતરે કામે પણ જઈ શકતી નહોતી. આતો અમે ફોર્મ ભર્યું અને અમને પાકું ઘર મળ્યું. બે પાંચ મહેમાન આવે તો પણ તકલીફ થતી હતી, હવે અમારે તકલીફ નહીં પડે, હું ખેતરે પણ જઈ શકીશ. સાથે સાથે શૌચાલયની વ્યવસ્થા પણ ઘરમાં જ થઈ ગઈ એટલે સંપૂર્ણ શાંતિ થઈ ગઈ. આના માટે નરેન્દ્રભાઈ મોદીનો આભાર કહીએ તેટલો ઓછો છે.

મગનભાઈ અને પ્રભાબેનના ગૃહપ્રવેશ વેળાએ ગામના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ બોરડ, તલાટી શ્રી વર્ષાબેન વાઘેલા તથા અન્ય અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોધિકા તાલુકાના ચાંદલી ગામમાં અંદાજિત ૨૫૦૦ની વસ્તી વસવાટ કરે છે. તમામ ઘરોમાં ઉજ્વલા યોજના અંતર્ગત ગેસની સુવિધા ઉપલબ્ધ છે. ગામના રોડ રસ્તા અને ચોખ્ખાઈ ખૂબ જ ધ્યાનાકર્ષક છે. કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ પણ મહત્તમ લોકોએ લઈ લીધા છે. ગામમાં પાણી પણ ઘરે ઘરે નલ સે જલના માધ્યમથી ટેપવોટર પૂરું પાડવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રો અને રાજ્ય સરકારની ડબલ એન્જિન સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ૨૩૦.૨૬ કરોડના ખર્ચે ૧૫,૦૦૦ જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ૭૦.૪ કરોડના ખર્ચે ૭૯૨ આવાસનું ખાતમુર્હુત તથા ૧૫૩૮.૫૬ કરોડના ખર્ચે ૩૧,૫૫૫ આવાસનું લોકાર્પણ કરાયું હતું.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*