*માંડવી તાલુકાના ફરાદી ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો*
*સત્યનારાયણની કથા તેમજ ગરબા અને વૃક્ષારોપણ કરીને ગૃહ પ્રવેશ કરાયો*
*કચ્છ જિલ્લામાં ૩ આવાસના ગૃહપ્રવેશ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓનું જીવંત લાઈવ પ્રસારણ કરાયું*
*વડાપ્રધાનશ્રીના હસ્તે કચ્છ જિલ્લાના કુલ ૧૮૩ આવાસનું ઈ-લોકાર્પણ*
*ભુજ, શુક્રવાર :*
વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે આજરોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ૧૫૦૦૦ આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના ૧૮૩ આવાસોનું પણ લોકાર્પણ કરાયું હતું. આ ૧૮૩ આવાસ પૈકી ૦૩ એવા આવાસની પસંદગી કરવામાં આવી હતી, કે જેના ગૃહપ્રવેશ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓનું અંબાજી, બનાસકાંઠા ખાતેથી જીવંત પ્રસારણ કરાયું હતું. આ જીવંત પ્રસારણ માટે ૩૩ જિલ્લા પૈકી ૧૦ જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે જેમાં કચ્છ જિલ્લાનો પણ સમાવેશ કરવામા આવ્યો હતો.
આ તકે માંડવી તાલુકાના ફરાદી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીશ્રી ગીતાબા સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મને મકાન બનાવવા એક લાખ વીસ હજાર રૂપિયા તેમજ મનરેગા સહિત શૌચાલય બનાવવા સહાય પાંચ હજાર તેમજ પ્રોત્સાહક રકમ તરીકે વીસ હજાર રૂપિયા અને અન્ય યોજના તરીકે મને ગંગાસ્વરૂપ સહાય યોજનાનો લાભ મળ્યો છે. અંત્યોદય યોજના,આયુષ્માન કાર્ડ, ઉજ્વલા ગેસ, વીજ કનેકશન વગેરે યોજનાઓનો પણ લાભ સરકાર દ્વારા મળ્યો છે. વધુમા તેમણે જણાવ્યું હતું કે જેના લીધે કોઈ મુશ્કેલી વગર મારું જીવન હું સરળતાથી પસાર કરી શકીશ.
આ સહાય મળવાથી અમારું સામાજિક અને આર્થિક જીવનધોરણ ખૂબ ઉંચુ આવ્યું છે. આ માટે અમે મોદી સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ. આ સહાય મળવાથી અમારો પરિવાર ખૂબ જ ખુશ છે.
ફરાદીમાં લાભાર્થીઓની સાથે સૌએ આંગણાની અંદર ગરબા રમીને ઉત્સાહપૂર્વક ગૃહ પ્રવેશ કર્યો હતો.
ઘરની આગળ વૃક્ષારોપણ તેમજ રંગોળી અને સત્યનારાયણની કથા પણ કરવામાં આવી હતી
આ તકે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી જેક્શન સંગાર, ફરાદી સરપંચશ્રી ભાવનાબેન જોષી, અગ્રણી સર્વશ્રી સુરેશભાઈ સંઘાર, કીર્તિભાઈ ગોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.કે રાઠોડ, પ્રાંત અધિકારી માંડવી મુન્દ્રા ચેતનભાઈ મિશણ, મામલતદારશ્રી માધુભાઈ પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી વી.બી.ગોહિલ, મદદનીશ પ્રાયોજના અધિકારીશ્રી નિરવભાઈ પટ્ટણી, વિસ્તરણ અધિકારીશ્રી ભરતભાઇ શ્રીમાળી, તલાટીશ્રી બટુકસિંહ જાડેજા, મેડીકલ ઓફીસરશ્રી પ્રીતીબેન સોલંકી તેમજ શિક્ષકગણ,આશાવર્કરો, આરોગ્ય સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
જીતેન્દ્ર ભીલ