માંડવીમાં નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ : લુહાર સમાજે કરી ઉજવણીની તડામાર તૈયારીઓ
નવરાત્રી પર્વને લઈને યુવાનોમાં અનેરો થનગનાટ
સામાન્ય સભામાં લુહાર સમાજના નવનિયુક્ત પ્રમુખને આવકારાયા
માંડવી, તારીખ – ૨૨/૦૯/૨૦૨૨ : હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રી. માં જગદંબાના નવ દિવસની આરાધનાના પર્વ એવા નવરાત્રીના આગમનને પગલે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને કારણે ગત વર્ષે મર્યાદિત સંખ્યામાં ગરબીનું આયોજન થયું હતું જો કે આ વર્ષે આ તહેવારની રંગે ચંગે ઉજવણી થનાર છે
ત્યારે આયોજનને લઈને યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર કચ્છમાં નવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બંદરીય શહેર માંડવીમાં પણ આ પર્વને ઉજવવા યુવાનોમાં અનેરા ઉત્સાહ સાથે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં માંડવી ખાતે કચ્છી ગુર્જર ક્ષત્રિય લુહાર સમાજના પ્રમુખ હીરાલાલભાઈ પિત્રોડાના અધ્યક્ષસ્થાને નવા પ્રમુખની વરણી, નાણાકીય હિસાબો તથા સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સમાજના લોકો સાથે પરામર્સ કરવા માટે એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષથી યુવક મંડળની જવાબદારી સંભાળતા અજયભાઈ કિર્તીભાઈ આસોડિયાની જ્ઞાતિના પ્રમુખપદે વરણી થતા તેમને ઉલ્લાસભેર આવકારવામાં આવ્યા હતા.
લુહાર સમાજ દ્વારા ઉજવાતી નવરાત્રી પર્વના આયોજન માટે વિશ્વકર્મા લુહાર યુવક મંડળ અને ભવાની મહિલા મંડળને જવાબદારીઓ સોંપવામાં આવી છે ત્યારે યુવક મંડળના પ્રમુખ શરદભાઈ મારુએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ભવાની માતાજીનું મંદિર અને લુહાર સમાજવાડીને લાઈટ ડેકોરેશનથી સજાવામાં આવશે અને સમાજની દીકરીઓને નવે દિવસ નવરાત્રીની લાણી કરવામાં આવશે, સમાજના સૌ ખેલૈયાઓ માટે મહાપ્રસાદનું આયોજન પણ છે સાથે દાંડીયારાસ હરીફાઈ યોજીને વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવાનું આયોજન પણ કરવામાં આવેલ છે એવી જાણકારી આપવામાં આવી હતી. આજની સામાન્ય સભામાં ટ્રસ્ટીઓ દુર્લભજી મકવાણા, ડાહ્યાલાલ પંચાલ, હીરાલાલ પિત્રોડા તથા જ્ઞાતિના સર્વે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.