નખત્રાણા તાલુકાનાં પિયોણી ખાતે સારવાર કેમ્પમાં ૩૯૮ જેટલાં ઊંટને ખાજી તેમજ ફિટોડા રોગ વિરોધી સારવાર આપવામાં આવી
ભુજ,શનિવાર
પશુપાલન શાખા, જિલ્લા પંચાયત કચ્છ અને પશુ ચિકિત્સાલય- નખત્રાણા દ્વારા નખત્રાણા તાલુકાનાં પિયોણી ખાતે તા. ૧૬/૯/૨૦૨૨ નાં રોજ ઊંટ વર્ગના પ્રાણીઓ માટે ખાજી-ફિટોડા વિરોધી સારવાર કેમ્પનું આયોજન કરાયેલ હતું. આ સારવાર કેમ્પમાં ૩૯૮ જેટલાં ઊંટ ન ખાજી તેમજ ફિટોડા રોગ વિરોધી સારવાર આપવામાં આવી હતી.
ફિટોડો (સરા) એ ટ્રિપેનોઝોમા ઇવાન્સી નામના પ્રજીવોથી ઊંટ વર્ગના પશુઓમાં થતો એક ગંભીર રોગ છે. આ રોગથી અસરગ્રસ્ત પશુ શરીર થી એકદમ નબળું પડી જાય છે. તેની રોગપ્રતિકારક શક્તિ માં ખૂબ ઘટાડો થવાથી બીજી બીમારીઓનો ભોગ પણ આસાનીથી બને છે. તીવ્ર સ્વરૂપમાં આ રોગ પશુ માટે જીવલેણ પણ નીવડી શકે છે. ખાજી એ મેન્જ-માઇટ નામનાં બાહ્ય પરોપજીવી થી થતી એક પ્રકારની ચામડીની બીમારી છે અને પણ ઊંટને માટે અત્યંત કષ્ટદાયક હોય છે. આ બન્ને રોગો ની સારવાર માટેની દવાઓ ખૂબ ખર્ચાળ હોઇ ઊંટપાલકો પોતાના ખર્ચે તેની સારવાર કરાવવા અસમર્થ હોય છે. જેથી જિલ્લા પંચાયત ભુજ દ્વારા યોજવામાં આવતા આવા કેમ્પ તેમના માટે ખૂબજ ફાયદા રૂપ સાબિત થાય છે.
આ કેમ્પમાં ડો. એચ. એમ. ઠક્કર, નાયબ પશુપાલન નિયામક, જિ.પં.કચ્છ અને ડૉ. વસંત રામાણી, મદદનીશ પશુપાલન નિયામક,પશુ રોગ સંશોધન કચેરી એ હાજરી આપી ઊંટપાલકો સાથે ચર્ચા કરી પશુ રોગ અને સરકારની યોજનાઓ વિષે માહિતી આપી હતી. નખત્રાણાનાં પશુ ચિકિત્સા અધિકારી ડૉ.મનોજ પટેલ અને તેમની સમગ્ર ટીમ તથા ડી.એમ.એફ. યોજનાનાં સ્ટાફ દ્વારા સેવાઓ સારવારની કામગીરી કરાયેલ હતી. સ્થાનિક આયોજન વિભાપર ગામનાં સરપંચશ્રી હિરાભાઇ રબારી અને રાણાભાઇ વ. દ્વારા કરાયેલ હતું.
હેમલતા પારેખ