પોષણ અભિયાન -સપ્ટેમ્બર માસ-૨૦૨૨
સાયરા- મોટા યક્ષ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાશે.
00000
સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાનાં હસ્તે પ્રદર્શન ખુલ્લુ મુકાશે
સવારે ૯.૩૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી જાહેર જનતા વિનામૂલ્ય
આ પ્રદર્શન અને કાર્યક્રમને માણી શકશે
ભુજ,શનિવાર
કચ્છ જિલ્લાના પ્રસિદ્ધ યક્ષ મેળાનો આવતીકાલથી નખત્રાણા ખાતે પ્રારંભ થશે ચાર દિવસ ચાલનારા મોટા યક્ષના આ પ્રસિદ્ધ મેળામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારણ પ્રદર્શન એકમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ જન માનસમાં જનજાગૃતિ માટે પ્રારંભ કરવામાં આવશે આ માટે આજરોજ ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો સૌરાષ્ટ્ર ઝોન અધિકારીશ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદીએ આજરોજ ભુજ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રિય કાર્યાલય, ભુજ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે કચ્છ જિલ્લાનાં નખત્રાણા તાલુકાના સાયરા – મોટાયક્ષ ખાતે ઇન્ટીગ્રેટેડ ક્મ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ભવ્ય ફોટો પ્રદર્શન સહિત વિશેષ સરકારની યોજનાઓના જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમમાં પોષણ અભિયાન (પોષણ માહ ઉજવણી સપ્ટેમ્બર ૨૦૨૨ પોષણ માસ), સ્વચ્છ ભારત અભિયાન, કોવિડ રસીકરણ અભિયાન, એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જેવા અભિયાનો અંતર્ગત વિશેષ મનોરંજનના વિવિધ માધ્યમોના કાર્યક્રમોનું આયોજન પણ કરાશે.
આઝાદીની સંઘર્ષગાથા તેમજ પ્રજા લક્ષી વિવિધ સરકારી યોજનાઓ આવરી લેતા પ્રદર્શન સહિતના આ વિશેષ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવાની સાથે ભારત સરકાર દ્વારા ચાલી રહેલ વિભિન્ન અભિયાનો તેમજ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રાષ્ટ્રીય અભિયાનોમાં જનભાગીદારી વધારવાનો છે એમ શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું.
આ વિશેષ કાર્યક્રમ સાથેનાં ફોટો પ્રદર્શનને કચ્છ – ભુજ નાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાનાં હસ્તે તા.૧૧/૯/૨૦૨૨ રવિવારનાં રોજ સાંજે ૬.30 કલાકે ખુલ્લુ મુકવામાં આવશે. ચાર દિવસ ચાલનારા આ મેળામાં ભવ્ય પ્રદર્શનની સાથે જનજાગૃતિનાં સંદેશાઓને લઈને મનોરંજક નાટ્ય પ્રસ્તુતિ, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આયોજિત જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડતા વિવિધ સ્ટોલ્સ, આઝાદી ક્વીસ્ટ ગેમ મોબાઈલ એપ્લિકેશન અંગે જાણકારી, વિભિન્ન સ્પર્ધાઓ, પુરસ્કાર વિતરણ, સેલ્ફી કોર્નર જેવા વિભિન્ન કાર્યક્રમો લોક આકર્ષણનું કેન્દ્ર બનશે.
મહત્વનું છે કે મોટા યક્ષ મેળા સમિતિ અને સાયરા યક્ષ જૂથ ગ્રામ પંચાયતના સહયોગથી મોટાયક્ષ મેળામાં કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજ દ્વારા આયોજિત થઈ રહેલ આ પ્રદર્શન તા. ૧૧ થી ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨ ચાર દિવસ સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લું રહેશે. સવારે ૯: ૩૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેનારા પ્રદર્શન અને વિવિધ કાર્યક્રમોનો લાભ લેવા સાયરા ગામના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો અને સમગ્ર કચ્છ ભુજના રહેવાસીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મેળામાં આ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે વિવિધ વિભાગોના સ્ટોલો તેમજ માહિતી કચેરી કચ્છ ભુજ દ્વારા વિવિધ યોજનાના પુસ્તકો અને પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવશે.
આ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય સંચાર બ્યુરો માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર ઝોનલ ઓફિસરશ્રી દેવેન્દ્ર ત્રિવેદી, માહિતી ખાતાના જોઈન્ટ ડાયરેકટર શ્રી મિતેશભાઈ મોડાસિયા, ભુજ ક્ષેત્રિય પ્રચાર અધિકારીશ્રી કે. આર. મહેશ્વરી, ભુજના પ્રતિનિધિ વિનોદભાઈ ગાલા તેમજ આકાશવાણી કેન્દ્ર ભુજના પ્રતિનિધિશ્રી ભરતભાઈ ચતવાણી, સહકર્મીશ્રી ભાવિકભાઈ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હેમલતા પારેખ/સીદીક કેવર ૦ ૦ ૦ ૦ ૦