અખબારી યાદી
મૈત્રી સંસ્થા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ આજરોજ ઑલ્ફ્રેડ હાઇસ્કુલ ભુજ ખાતે યોજાયો

ભુજ શહેરની વિવિધ સ્કૂલોના ૨૬ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ઇનામી રકમ તેમજ સરસ્વતી સન્માનથી સન્માનિત કરાયા

ભુજ ગુરૂવાર
ઑલ્ફ્રેડ હાઇસ્કુલ ભુજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની મૈત્રી સંસ્થા આયોજિત વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ આજરોજ ઑલ્ફ્રેડ હાઇસ્કુલ ભુજ ખાતે યોજાયો હતો. ભુજ શહેરની વિવિધ સ્કૂલોના તેજસ્વી ૨૬ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ઇનામી રકમ તેમજ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મનનીય અને પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ભુજના નગરપતિશ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, હું પણ ઑલ્ફ્રેડ હાઇસ્કુલનો વિદ્યાર્થી છું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હું મૈત્રી સંસ્થાનો આભાર માનું છું અને તેમને ખૂબ જ અભિનંદન આપું છું કે ભુજની સ્કૂલોના વિદ્યાર્થીઓને ઇનામ,સર્ટી અને સન્માન કરવાનું પ્રસંશનીય કાર્ય તેઓ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉત્તમ નાગરિક બને તે માટે સૌએ મહેનત કરવી જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.


રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના કાર્યકારી સંયુક્ત માહિતી નિયામકશ્રી અને માહિતી કચેરી ભુજના નાયબ માહિતી નિયામકશ્રી મિતેશભાઇ મોડાસિયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના મૈત્રી સંસ્થાના પ્રયાસોને બિરદાવી અભિનંદન પાઠવતા વિદ્યાર્થીઓને સંબોધીને જણાવ્યું હતું કે, ધોરણ ૧૦ કે ૧૨ પછી વિદ્યાર્થીઓ ગમતા અભ્યાસમાં જાય તો સારું પરિણામ મેળવી શકશે. વાલીઓએ પણ વિદ્યાર્થીઓને સહયોગ કરવો જોઈએ એમ કહેતા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, ધોરણ ૧૦ કે ૧૨ પછી પોતાના ગમતા વિષયમાં અભ્યાસ કરવાથી તમને તો ફાયદો થશે જ પણ સાથે સમાજને પણ બહુમોટો લાભ મળશે. તમે કઈ પણ બનો છો , સામાન્ય નાગરિક બનશો કે વૈજ્ઞાનિક બનશો પણ આનાથી તમે પણ ખુશ રહેશો અને સમાજમાં પણ મોટું યોગદાન આપી શકાશે.


ઑલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજના પ્રિન્સિપાલશ્રી એમ.ઝહીર મુન્સીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભુજ શહેરની જુદી જુદી સ્કૂલોમાં તેજસ્વી પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનવાનો આ કાર્યક્રમ છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અપાતું ઇનામ તેમને પ્રેરણા રૂપ બનશે . હાઇસ્કુલમાં દાતાઓ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓની ફી તેમજ કમ્પ્યુટર શિક્ષણમાં સહાય કરાય તેવો પણ અનુરોધ આચાર્યશ્રીએ કર્યો હતો. મૈત્રી સંસ્થાના ઉપપ્રમુખશ્રી અશોકભાઈ માંડલિયાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને સહયોગ કરીએ.


મૈત્રી સંસ્થાના પ્રમુખશ્રી પ્રીતમલાલ મહેતાએ પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આધુનિક જમાનામાં કોમ્પ્યુટર તેમજ સામાન્ય જ્ઞાનથી અપડેટ થવું પડે. તમે કોઈપણ વ્યવસાયમાં શ્રેષ્ઠ બનો કે કોઈ પદ ધારણ કરો પરંતુ સૌપ્રથમ સારા નાગરિક અચૂક બનજો. વિદ્યાવાન સર્વત્ર પૂજાય છે આથી ઉર્જાવાન પણ બનો. સારા નાગરિક બનો પોતાના શરીરનું ધ્યાન રાખો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં સંસ્થાના મંત્રીશ્રી અબ્દુલગફુરભાઈ.કે.શેખે જણાવ્યું હતું કે, હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન મૈત્રી સંસ્થા છે. મૈત્રીએ ઑલ્ફ્રેડ હાઇસ્કુલ ભુજમાં શૈક્ષણિક સુવિધાઓ, સાધન સગવડો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનું કાર્ય કરે છે. છેલ્લા ૪૦ વર્ષથી આ સંસ્થા ચાલે છે અને તેના મહાનુભાવો આવનારી પેઢીને પ્રોત્સાહિત કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે .મૈત્રી ઉમદા પ્રેરણાદાયી કાર્ય કરી રહી છે.
પ્રસંગિક પ્રવચનમાં સ્કૂલના શિક્ષક શ્રી એ.જી.વાઘેલાએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે આ સરકારી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર છે અને હાલે પણ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરીને ઉત્તમ પરિણામ દર્શાવી રહ્યા છે. આ તકે તેમણે ઓલ્ફ્રેડ હાઇસ્કુલ ભુજને વધુ સહયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભુજ શહેરની વિવિધ સ્કૂલોના ધોરણ ૧૦ અને ૧૨માં તેજસ્વી પરિણામ લાવનાર કુલ ૨૬ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ઇનામી રકમ અને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો સાથે મૈત્રી પરિવારના સભ્યો હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સર્વશ્રી નેણશીભાઈ મીઠીયા, ચંદ્રકાંતભાઈ જેઠી, બી.એમ.વાઘેલા, શ્રી નીલમબેન ગાંધી, શૈલેષભાઈ, ખુશ્બુબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા
હેમલત્તા પારેખ