*ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી*

જીએનએ પાલનપુર: યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો થનગનાટ છે. બે વર્ષના વિરામ બાદ આ વર્ષે તા. 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મહામેળામાં હૈયાથી હૈયુ દળાય એવો માનવ મહેરામણ ઉમટશે. કોરોનાની મહામારીને લીધે બે વર્ષથી મેળો યોજાઈ શક્યો નહોતો ત્યારે ચાલુ સાલે મેળાનું આયોજન થવાથી દુનિયાભરમાંથી માઈભક્તોનું ઘોડાપુર મેળામાં ઉમટી પડવાની સંભાવના છે. શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાની પુરાણોમાં માન્યતાને લીધે જ શ્રધ્ધાળુઓમાં અંબાજી શક્તિપીઠનું વિશેષ મહત્વ છે. ચાલો આજે જાણીએ શક્તિપીઠ અંબાજીનો મહિમા

*”મા અંબેના પ્રાગટ્યની મૂળ કથા”*
પુરાણ ઉપર આધારીત એક કથા મુજબ પ્રજાપિતા દક્ષે બૃહસ્પતિ-સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યુ હતું. જેમાં દક્ષે બધા દેવોને નિમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઇ શંકર ભગવાનને બોલાવ્યા ન હતા. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં દેવી સતિ પિતાના ઘેર પહોંચી ગયાં. ત્યાં યોજાયેલા યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન જોતાં અને પિતા દક્ષના મોઢે પતિની નિંદા સાંભળતા દેવી સતિએ યજ્ઞ કુંડમાં પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો.
ભગવાન શિવજીએ દેવીસતીના નિશ્વેતન દેહને જોઇને તાંડવ આદર્યુ અને દેવી સતિના દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા માંડ્યા. ત્યારે આખીયે સૃષ્ટિનો ધ્વંસ-નાશ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુંએ પોતાનું ચક્ર છોડીને દેવી સતિના શરીરના ટુકડા કર્યા. જે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું. આવા 51 શક્તિપીઠોમાં અંબાજી શક્તિપીઠનું અનોખું અને અલગ મહાત્મ્ય હોવાથી માઇભક્તોમાં માં અંબેનું ધામ અંબાજી પ્રત્યે વિશેષ શ્રદ્ધા આસ્થા રહેલી છે.
દેવી ભાગવતની દંતકથા અનુસાર પૌરાણિક સમયમાં મહિસાસુર સમગ્ર બ્રહ્માંડ માટે ખતરનાક રાક્ષસ હતો, તેથી ત્રિદેવ (બ્રહ્મા-વિષ્ણુ-મહેશ)ના નેતૃત્વમાં તમામ દેવતાઓ આખરે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ મહાદેવી આદ્યશક્તિના અંતિમ આશ્રયએ ગયા, જ્યાં બચાવ અને મદદ માટે તેમની પૂજા કરી. જેથી આદ્ય દેવીશક્તિ સૂર્યના કિરણોના તેજસ્વી વર્તુળથી ઘેરાયેલા શસ્ત્રો સાથે પૃથ્વી પર અવતર્યા અને દેવીએ તેમની પવિત્ર તલવારથી મહિષાસુર રાક્ષસને મારી નાખ્યો અને ત્યારથી તેઓ વિશ્વમાં “મહિસાસુર મર્દિની” તરીકે પ્રખ્યાત થઇ ગયા.
રામાયણમાં કહેલી દંતકથા અનુસાર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં શ્રૃંગી રૂષિના આશ્રમમાં આવ્યા, જ્યાં તેમને ગબ્બર ઉપર દેવી અંબાજીની પૂજા કરવાનું કહેવામાં આવ્યું. ભગવાન શ્રીરામે તે મુજબ કર્યું અને જગત માતા શક્તિદેવી અંબાજીએ તેમને “અજયબાણ” નામનું ચમત્કારિક તીર આપ્યું. જેની મદદથી ભગવાન શ્રીરામે યુદ્ધમાં તેમના દુશ્મન રાવણ પર વિજય મેળવ્યો અને તેને મારી નાખ્યો.
એવી પણ એક દંતકથા છે કે દ્વાપર યુગના સમયગાળા દરમિયાન પવિત્ર બાળક ભગવાન કૃષ્ણના વાળ પણ અહીં આ ગબ્બર ટેકરી પર દૂર કરવામાં આવ્યા હતા. તેમના પાલક માતા-પિતા નંદ અને યશોદાએ પણ દેવી અંબાજી અને ભગવાન શિવની પૂજા કરી હતી. મેવાડના જાણીતા રાજપૂત રાજા મહારાણા પ્રતાપ આરાસુરી અંબા ભવાનીના સાચા ભક્ત હતા. તેમને એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતા, તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.
અંબાજી શક્તિપીઠ- યાત્રાધામ સાથે પૌરાણિક અને ઐતિહાસિક અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. જેમાં શ્રદ્ધાળુઓને સંપૂર્ણ વિશ્વાસ હોઈ દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો કરોડોની સંખ્યામાં માઇભક્તો પદયાત્રા કરી માં અંબા ના દર્શનાર્થે ઉમટે છે. અને ધન્યતા અનુભવે છે. માં અંબા ભાવિક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરતા હોવાની શ્રદ્ધાળુઓની માન્યતાને પગલે દરવર્ષે મેળામાં યાત્રિકો દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે.

*”અંબાજી મંદિરમાં વીસાયંત્રની પૂજા થાય છે.”*

અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહી પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે એ રીતે ગોઠવાય છે કે તે સવારી પર આરૂઢ માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. આ યંત્ર શુધ્ધ સોનામાંથી બનાવેલ છે. એક માન્યતા મુજબ આ શ્રીયંત્ર છે. કૂર્મ પુષ્ઠવાળુ આ યંત્ર સોનાનું છે જે ઉજ્જૈન અને નેપાળની શક્તિપીઠોના મૂળયંત્ર સાથે સંકળાયેલ હોવાની માન્યતા છે. આ શક્તિપીઠોમાં શાસ્ત્રોક્ત રીતે શ્રીયંત્રની પૂજા થાય છે. આ યંત્રમાં ૫૧ અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનમાં આંખોથી જોવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધીને યંત્ર પુજા કરે છે. દર સુદ આઠમે વીસાયંત્રની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આઠમા નોરતે હવન- યજ્ઞ સાથે વીસાયંત્રની પૂજાનું વિશેષ મહત્વ મનાય છે.

*”માતાજીના શૃંગાર સ્વરૂપો અને વાહનો”*

માતાજીની પૂજા દિવસમાં ત્રણ વખત થાય છે. ત્રણેય વખતે જુદા જુદા વસ્ત્રો અને અલંકારો ધરાવવામાં આવે છે. આ શૃંગાર દ્વારા આદ્યશક્તિ મા અંબાનું પ્રભાતે બાલ સ્વરૂપ, મધ્યાહને યુવા સ્વરૂપ તથા સાંજે પ્રૌઢ સ્વરૂપ વ્યક્ત થાય છે. તેવી જ રીતે માતાજીના વાહનો પણ દિવસ પ્રમાણે અલગ અલગ હોય છે. જેમાં રવિવારે-વાઘ, સોમવારે-નંદી, મંગળવારે-સિંહ, બુધવારે-ઉંચી સુંઢનો હાથી (ઐરાવત), ગુરૂવારે-ગરુડ, શુક્રવારે- હંસ અને શનિવારે- નીચી સૂંઢનો હાથી (ઐરાવત) મા ના વાહન તરીકે શોભાયમાન થાય છે.
સામાન્ય રીતે માતાજીની આરતી દિવસમાં બે વખત સવારે અને સાંજે કરવામાં આવે છે. પરંતુ અખાત્રીજથી અષાઢ સુદ બીજ દરમ્યાન દરરોજ સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત માતાજીની આરતી થાય છે. તો ભાદરવી પૂનમના મેળાના દિવસોમાં યાત્રિકો દર્શનાર્થીઓ આરતીનો લ્હાવો લઈ શકે એ માટે આરતી દર્શન સમયમાં વધારો કરવામાં આવે છે.