ખેતરમાં ઉંદર પાકનો વિનાશ કરે તો આ મંદિરમાંથી લઈ મુકવામાં આવેલ પથ્થર ખેડૂતના પાકને બચાવે છે. જામનગર પાસે આવેલ સપડા ખાતેના ભગવાન ગણેશના મંદિરની અનોખી ગાથા.

જીએનએ જામનગર: વિઘ્નહર્તા કર્તાહર્તા ભગવાન ગણપતિનો પાવન દિવસ એટલે ગણેશ ચતુર્થી. દેશભરમાં ગણેશના સ્થાપન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જામનગર પાસે આવેલ સપડાના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે બિરાજમાન સપડેશ્વર દાદાની ગાથા અનેરી અને ઐતિહાસિક છે.

ભગવાન ગણપતિનો પાવન દિવસ ગણેશ ચતુર્થી છે. દેશભરમાં વિવિધ ધર્મના લોકોના ઘેર કોઈપણ ભેદભાવ વગર બાપ્પા ઘેર પધારશે અને ગણેશ ઉત્સવની શરૂઆત થશે. સવાર સાંજે બાપ્પા ની આરતી અને પૂજા અર્ચના કરવામાં આવશે અને વિવિધ જગ્યાએ વિવિધ સ્વરૂપે ભગવાન ગણેશ બિરાજમાન થશે અને લોકો દ્વારા ચોક્કસ નક્કી કરેલ નિર્ધારિત દિવસે બપ્પાને આવતા વર્ષે ફરી આવવા માટે કહી બપ્પાનું વિસર્જન કરાશે.

દેશભરમાં ગણેશ ઉત્સવનો મહિમાનો ન્યારો છે કોઈપણ કાર્યની શરૂઆત વિઘ્નહર્તા ગણેશ ભગવાન દ્વારા જ થાય છે ત્યારે વાત કરીએ જામનગર થી 18 કિમિ દૂર સપડા ખાતે આવેલ સિદ્ધિવિનાયકના અનોખા મંદિરની. સપડેશ્વર દાદાના આ મંદિરની મહિમા અને કથા અનોખી જ છે.

આસપાસ સુંદર રમણીય કુદરતી નજારાની પ્રતીતિ કરાવતું ટેકરીની ઉપર આવેલ એકમાત્ર ભગવાન ગણેશનું મંદિર એટલે સપડાનું સિદ્ધિવિનાયક મંદિર. જ્યાં દૂર દૂર થી ભક્તો ચાલીને તેમજ વાહનો દ્વારા ભગવાન ગણેશના દર્શને આવે છે. આજે સવારથી ભગવાન ગણેશના દર્શન માટે લોકોની ભારે ભીડ બપ્પાના દર્શનાર્થે ઉમટી પડી હતી અને મંદિર ખાતે હવન, યજ્ઞ માટે શહેર બહારથી યજમાનો પધાર્યા હતા.

 

સપડા સિદ્ધિવિનાયક મંદિરના મહારાજ મિલીનગીરી બાપુના જણાવ્યા અનુસાર આ મંદિરની લોકગાથાની વાત કરીએ તો એક ગુર્જર સુથાર જ્ઞાતિના ખેડૂતને સ્વપ્નમાં આવીને ભગવાને કહ્યું હતું કે હું રૂપારેલ નદીમાં બેઠો છું અને બીજા દિવસે ખેડૂતે નદીમાંથી ભગવાનને બહાર કાઢવા ગાડું લઈ સડસડાટ ગયો અને ભગવાનની ઈચ્છા મુજબ ટેકરી પર ખાડો ખોદયો અને ત્યાં જ ગાડું અટક્યું અને ત્યાંજ ભગવાન સિદ્ધિ વિનાયક પ્રગટ થયા અને ભગવાન ગણેશના મંદિરની કોઈપણ પ્રાણ પ્રતિષ્ઠા વિના સ્થાપના થઇ.

 

અહીંની એક અનોખી પ્રથાની તેમજ માન્યતાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ના ખેતરમાં પાકને જો ઉંદર દ્વારા નુકશાન કરવામાં આવતું હોય તો આ મંદિરમાંથી પથ્થર લઈ પોતાના ખેતરમાં મુકવામાં આવે છે જેથી ઉંદરો પાકનો નાશ નથી કરતા વાવણી બાદ પાક હેમખેમ લણી એ પથ્થર ખેડૂત પાછો મંદિર ખાતે મૂકી જાય છે અને પ્રથમ ધાન ઈચ્છા સ્વરૂપે મંદિરમાં અર્પણ કરે છે. દૂર દૂર થી લોકો અહીં આવે છે અને ભગવાન ગણેશના દર્શનનો લાભ લે છે. ગણેશ ચતુર્થીના દિવસે અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ, સુરત, દ્વારકા, પોરબંદર તેમજ આસપાસના શહેરોથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે.