જામનગર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા મોદક ખાવાની સ્પર્ધા યોજાઈ. 12 લાડુ ખાઈ રમેશભાઈ વિજેતા થયા.
જીએનએ જામનગર: ગણેશ ચતુર્થી એટલે ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાનો પવિત્ર દિવસ અને તેમના પ્રિય એટલે નામ આવે લાડુનું. જામનગર ખાતે બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા 13માં વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક (લાડુ) આરોગવાની સ્પર્ધાનું આયોજન ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવ્યું હતું જેમાં 12 લાડુ ખાઈ રમેશભાઈ વિજેતા બન્યા હતા.
છેલ્લા 13 વર્ષથી જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશચતુર્થી ના દિવસે કે.વી.રોડ પર આવેલ સંસ્કૃત પાઠશાળા ખાતે ગણેશજીને પ્રિય એવા મોદક એટલે કે લાડુ આરોગવાની અનોખી એવી મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં નાત-જાતના ભેદભાવ વિના દરવર્ષ કેટલાય સ્પર્ધકો ભાગ લે છે. આ વખતે પણ આ સ્પર્ધા ભારે ઉત્સાહ વચ્ચે યોજાઈ હતી. જેમાં નાના બાળકોથી માંડી વયોવૃદ્ધ લોકો પણ મોદક આરોગવાની આ અનોખી સ્પર્ધામાં જોડાયા હતા. સ્પર્ધા તો ઘણી-બધી પ્રકારની થતી હોય છે અને લોકો તેને જોવા માટે આવતા હોય છે પરંતુ આ લાડુ આરોગવાની સ્પર્ધા જોવા માટે પણ દૂર-દૂરથી લોકો આવ્યા હતા.
આ લાડુ વિશેની વાત કરીએ તો આ સ્પર્ધામાં ૧૦૦ ગ્રામ વજન ધરાવતો લાડુ કોઈ સ્પર્ધક બે તો કોઈ સ્પર્ધક ૧૫ લાડુ સુધી ખાઈ અને પ્રોત્સાહક ઇનામો મેળવે છે. શુદ્ધ ચોખા ઘીના સુકામેવાથી ભરપૂર લાડુ સાથે ગરમાગરમ દાળ અહી સ્પર્ધકો ને પીરસવામાં આવે છે. લાડુ ખાવાના શોખીન સ્પર્ધકો પણ આ રસપ્રદ સ્પર્ધા માં ભાગ લઇ અને આનંદિત થાય છે, સ્પર્ધકોએ દાળના વાટકી સાથે 100-100 ગ્રામ વજનના શુદ્ધ ઘી માંથી બનાવાયેલા ચુરમાના લાડુ આરોગ્યા હતા, આ યોજાયેલ સ્પર્ધામાં 26 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જે પૈકી 3 બાળકો અને 3 મહિલા અને 20 પુરુષો હતા, જેમાં યુવાઓને શરમાવી ને ભાણવડના રમેશ જોટંગીયા 12 લાડુ આરોગી જઈ અને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ પ્રકારની મોદક સ્પર્ધા તરણેતરના મેળામાં અને જામનગર ખાતે જ યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા મહેસાણા, વડોદરા જેવા શહેરોથી પણ ભાગ લેવા માટે સ્પર્ધકોના નામ નોંધાયા હતા. આ સ્પર્ધાનું આયોજન આનંદભાઈ દવે તેમજ ગ્રૂપના સભ્યો દ્વારા કરાયું હતું જ્યારે જીતુભાઇ લાલ દારા આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરાયું હતું તો સ્પર્ધકોને જજ કરવાનું કાર્ય દિપાલીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
આજકાલના સમયમાં ઘરની ખાવા-પીવાની ટેવ ભુલાતી જાય છે અને લોકો જંકફૂડ ખાવામાં આગળ વધ્યા છે. ત્યારે ચોખ્ખા ઘી ના લાડવા લોકોને પચાવવામાં બહુ ભારે પડે છે તે પણ આજની ઓપન સૌરાષ્ટ્રમાં એક વૃદ્ધએ દોઢ કિલો જેટલા લાડુ પેટમાં પધરાવીને યુવાનોને કેવી પાચન શકિત હોઈ શકે તેનું દ્રષ્ટાંત આપ્યું છે.