નર્મદા આરોગ્ય વિભાગ કોરોના વાયરસ સામે લડવા સજ્જ, વિદેશથી આવેલો વ્યક્તિ ઓબ્ઝર્વેશન હેઠળ

ડેડીયાપાડાના ઈરાનથી પોતાની બિઝનેસ ટુર પતાવી પરત આવેલા 42 વર્ષીય શખ્સનું નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના વાઈરસ મામલે ચેકીંગ કર્યું

કોરોના વાયરસને લઈને હાલ નર્મદા જિલ્લાના દરેક પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય કર્મચારી તૈનાત કરાયા છે.

હાલ કોરોના વાયરસનો કેહેર વર્તાઈ રહ્યો છે.હાલ ભારતમાં 30 થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. કેન્દ્ર સરકાર પણ હાલ ચિંતિત છે સાથે સાથે દેશના વિવિધ રાજ્યોના આરોગ્ય વિભાગ પણ આ મામલે કામગીરી કરી રહ્યું છે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ ભારતના એરપોર્ટ પર આવતા તમામ યાત્રીઓનું 21 જગ્યાએ સ્કેનિગ કરાઈ રહ્યું છે, અને એ તમામ લોકોના લિસ્ટ જેતે રાજ્યમાં મોકલી અપાય છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ઈરાનથી પોતાની બિઝનેસ ટુર પતાવી પરત આવેલા 42 વર્ષીય શખ્સનું નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના વાઈરસ મામલે ચેકીંગ કર્યું હતું.

ડેડીયાપાડા તાલુકાના 42 વર્ષીય ઇસમ 4/2/2020 ના રોજ બિઝનેસ ટુર પર ઈરાન ગયા હતા અને 11/2/2020 ના રોજ તેઓ પરત ફર્યા હતા.એરપોર્ટ પર એમનું સ્કેનિંગનો રિપોર્ટ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગને મળતા તબીબોની ટિમ તુરંત ડેડીયાપાડા પહોંચી હતી અને એમની આરોગ્ય લક્ષી ચકાસણી કરી હતી. જો કે તેઓ કોરોના વાયરસની લપેટમાં ન આવ્યા હોવાનું પુરવાર થયું હતું. એ શખ્સ હાલમાં પણ તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ છે. બીજી બાજુ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરાર આધારિત એક તબીબના થોડા દિવસો અગાઉ લગ્ન થયા હતા.તેઓ સિંગાપુર ટુર પર ગયા હતા અને રજા પુરી થતા 6/3/2020 ના રોજ પોતાની ફરજ પર હાજર થયા હતા. દરમિયાન એમની પણ જરૂરી તબીબી તપાસ થઈ હતી અને તુરંત એમને 14 દિવસ કોરોન્ટાઈલ લીવ પર મોકલી અપાયા છે.
નર્મદા જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.કશ્યપે જણાવ્યું હતું કે અમને ગુજરાત સરકાર તરફથી વિદેશ ગયેલા નાગરીકોનું એક લિસ્ટ આવ્યું હતું. સરકારની એવી નીતિ છે કે હાલમાં જે પણ વિદેશ જઈ પરત આવે અથવા વિદેશથી કોઈ પ્રવાસી આવે એમને કોરોના વાયરસ હોય કે ન હોય પણ 14 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે. એ મુજબ અમે ડેડીયાપાડાના એ વ્યક્તિનું રોજે રોજ ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે, તેઓ બિલકુલ સ્વસ્થ છે. આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થર્મલ સ્કેનર દ્વારા પ્રવાસીઓની ચકાસણી કરવામાં આવશે. કોરોના વાયરસને લઈને હાલ જિલ્લાના દરેક પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય કર્મચારી તૈનાત કરાયા છે. પરિક્ષાર્થીને કોઈ પણ આરોગ્ય લક્ષી તકલીફ થાય તો અમને જાણ થશે.