હર ઘર તિરંગા’ અભિયાન: ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોસ્ટમેન પાસેથી ઘેર બેઠા રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે.
જીએનએ ગાંધીનગર: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરાશે. પ્રત્યેક નાગરિક પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઉત્સુક છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં નાગરિકો નજીકની કોઈપણ પોસ્ટ ઑફિસ પરથી રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે. દરેક પોસ્ટ ઑફિસ પરથી માત્ર રૂ. ૨૫ ની કિંમતે રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે.*
નાગરિકોની સરળતા માટે પોસ્ટ વિભાગે નવતર પહેલ કરી છે. ઘેર ઘેર ટપાલ આપવા આવતા પોસ્ટમેન પાસેથી નાગરિકો ઘેર બેઠા રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે. એટલું જ નહીં, epostoffice.gov.in વેબસાઈટ પર પણ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ છે.*
ગાંધીનગરમાં ખાદી ભવન, સેક્ટર-૧૬ ખાતે ખાદીના રાષ્ટ્રધ્વજ વેચાણથી ઉપલબ્ધ છે. ૨ ફૂટ x ૩ ફૂટ નો ખાદીનો રાષ્ટ્રધ્વજ રૂ. ૧,૦૩૫ ના દરે અને ૩ ફૂટ x ૪ ફૂટનો ખાદીનો રાષ્ટ્રધ્વજ રૂ. ૧,૮૭૬ ના દરે ઉપલબ્ધ છે.
નાગરિકો ઉત્સાહભેર રાષ્ટ્રધ્વજની ખરીદી કરી રહ્યા છે ત્યારે પોસ્ટ વિભાગ પણ નાગરિકોની માંગને પહોંચી વળવા અને સૌને સરળતાથી રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ થાય એવું આયોજન કરી રહ્યું છે.