નાગરિકો e-FIR થકી વાહન અને મોબાઇલ ચોરીની ફરિયાદ ઘરે બેઠા નોંઘાવી શકશે : જિલ્લા પોલીસ વડા

 

જીએનએ ગાંધીનગર: રાજયમાં શરૂ કરવામાં આવેલા e-FIR અંગેની જાગૃત્તિ આપવાનો કાર્યક્રમ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા માણેક બા કૃષિ વિધાલય, અડાલજ ખાતે યોજાયો હતો.

જિલ્લા પોલીસ વડા શ્રી તરૂણ દુગલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સંબોઘન કરતાં તેમણે જણાવ્યું હતું કે, આપની સાથે કોઇ ઘટના બને કે આપની કોઇ વસ્તુની ચોરી થાય તે સમયે આપ પોલીસ મથક જઇ એફ.આઇ.આર. નોંઘાવો છો.

એફ.આઇ.આર.નો પુરો અર્થ ફર્સ્ટ ઇન્ફોરમેશન રીપોર્ટ થાય છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા e-FIR ની સુવિઘા શરૂ કરવામાં આવી છે. જે થકી આપ આપના વાહન અને મોબાઇલ ચોરીની ફરિયાદ ઘરે બેઠા કરી શકો છો. આ સેવા આપવાની પહેલ સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતે કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે નાગરિકોની સુવિઘાઓને હમેંશા પ્રાઘાન્ય આપ્યું છે. આ સેવા શરૂ કરવાનો ઉમદા ભાવ આ જ છે. તેમજ પેપરલેસ વહીવટીને સરકારે પ્રાઘાન્ય આપ્યું છે.આ ઉપરાંત ઇ-પુષ્પ ગૃહ વિભાગની સેવાની પણ વિસ્તૃત માહિતી તેમણે આપી હતી.

આ પ્રસંગે પી.આઇ. પ્રવીણભાઇ વાલેરાએ e-FIR અંતર્ગત શરૂ કરવામાં આવેલ સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ નામની એપથી સર્વે વિઘાર્થીઓને તેમની સરળ ભાષામાં સમજ પડે તે રીતે પ્રેઝેન્ટેશન રજૂ કરી માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે વિઘાર્થીઓ દ્વારા મુઝંવતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડાશ્રીએ સંતોષકાર રીતે ઉત્તરો આપ્યા હતા.

આ પ્રસંગે ડી.વાય.એસ.પી. શ્રી એમ.જે.સોલંકી, અડાલજ પોલીસ મથકના પી.આઇ. શ્રી વી.ડી. વાળા સહિત વિઘાર્થીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.