ઓખાના દરિયામાં મધ્યરાત્રીએ ઓપરેશન હાથ ધરી પાંચ માછીમારનો જીવ બચાવતું ભારતીય તટ રક્ષક દળ

જીએનએ અમદાવાદ: ભારતીય તટરક્ષક દળ (ICG)ના જહાજ C-413 દ્વારા 02/03 ઑગસ્ટ 2022ની મધ્યરાત્રીએ ઓખાના દરિયામાં બચાવ ઓપરેશન હાથ ધરીને પૂરમાં ફસાયેલી હોડીમાંથી પાંચ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા. હોડીના તમામ ક્રૂને સલામત રીતે ઓખા લઇ જવામાં આવ્યા હતા.

03 ઑગસ્ટ 2022ના લગભગ 00.45 AM વાગ્યે ઓખા ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના હેડક્વાર્ટર્સને ‘રાજ આયુષી’ નામની ભારતીય માછીમારી બોટ (IFB) દરિયામાં પૂરની સ્થિતિમાં અનિયંત્રિત થઇ ગઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. હોડીના ચોક્કસ સ્થાનની ખાતરી કરવામાં આવી હતી અને તે ઓખાના દરિયામાં 10 નોટિકલ માઇલ દૂર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ICGએ તાત્કાલિક આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને ઝડપી ઇન્ટરસેપ્ટર વર્ગના જહાજ C-413ને સહાય માટે મોકલવામાં આવ્યું હતું. આસપાસમાં રહેલા જહાજોને પણ ચાંપતી નજર રાખવા માટે અને તેને જોવામાં મદદ કરવા માટે સતર્ક કરી દેવામાં આવ્યા હતા. ICGનું જહાજ અત્યંત તોફાની દરિયામાં અને મહત્તમ ઝડપ સાથે લગભગ 02:15 AM વાગ્યે આ વિસ્તારમાં પહોંચ્યું હતું. હોડી ભારે પૂરના કારણે આંશિક રીતે પાણીમાં ડૂબી ગયેલી હતી અને એક બાજુ નમી ગઇ હોવાનું જણાયું હતું. માછીમારોના જીવ બચાવવાને પ્રાથમિકતા આપવાના પ્રયાસમાં, તમામ ક્રૂને ICGના જહાજ પર લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ICGના કર્મચારીઓએ સબમર્સિબલ પંપનો ઉપયોગ કરીને હોડીમાં ધસી આવતા પાણીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને પરિણામે તેના પર નિયંત્રણ મેળવી શકાયું હતું. ICGનું જહાજ સવારના 04:00 વાગ્યે બચાવી લેવામાં આવેલા તમામ ક્રૂને લઇને ઓખા આવ્યું હતું. પૂરમાં ફસાયેલી બોટને પણ અલગથી ઓખા લાવવામાં આવી રહી છે.