*યુક્રેન-રશિયા વોર સમજો* અમેરિકાની મુસદ્દીગીરી, યુક્રેનની બેવકૂફી અને રશિયાની મજબૂરી એટલે આજનું યુક્રેન-રશિયા વોર.

 

યુદ્ધ ક્યારેય એક દિવસમાં શરૂ નથી થતું. તેના માટે વર્ષો, દાયકાઓ અને ઘણીવાર તો સદીઓના એક પછી એક ઘટનાક્રમ જવાબદાર હોય છે.

યુક્રેન-રશિયા વોર માટે પણ એવું જ છે. આમાં રશિયાનો દોષ ઓછો, રશિયાની મજબૂરી વધારે છે. રશિયા પાસે હાલ યુદ્ધ સિવાય કોઈ ઓપશન બચ્યો નથી. અથવા એમ કહો કે અમેરિકાએ બચવા દીધો નથી.

મુદ્દો સમજીએ.

અમેરિકા અને રશિયા વચ્ચે વર્ષોથી શીતયુદ્ધ ચાલે છે. આ બન્ને દેશોના લીધે દુનિયા બે ભાગમાં વહેંચાયેલી જોવા મળે છે. બન્ને દેશો એકબીજા સામે લડવા, પછાડવા અને એકબીજાથી આગળ રહેવા સતત પ્રયત્નો કરતા હોય છે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી NATO ની રચના થઈ. NATO નું ફુલફોર્મ છે North Atlantic Treaty Organization જેમાં 28 યુરોપિયન દેશો છે અને બે અમેરિકન દેશો છે. આમ, ટોટલ ૩૦ દેશો NATO ના સભ્ય છે. આ એક મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે. જેનો ઉદ્દેશ્ય જર્મની, રશિયા જેવા દેશો ફરીવાર આક્રમણ કરે તો ભેગા મળીને લડવાનો છે. NATO ના નિયમ ૫ મુજબ, “NATO માં જોડાયેલ કોઈ એક દેશ પર હુમલો થાય તો તે બાકીના બધા દેશો પર હુમલો છે તેમ માનવામાં આવશે.” વળી, સુરક્ષાના કારણોસર આ દેશોમાં NATO ની ડિફેન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવે છે. મતલબ, મિસાઈલ, ટેન્ક, પ્લેન વિગેરે તૈનાત કરવામાં આવે છે. જેથી કોઈપણ દેશ પર હુમલો થાય તો તરત જ NATO જવાબી કાર્યવાહી કરી શકે. NATO ના ઓઠા હેઠળ અમેરિકા આખા વિશ્વમાં સૈન્ય ગોઠવી રહ્યું છે.

રશિયાનો એવો આરોપ છે કે અમેરિકા NATO ના બહાને પશ્ચિમ રશિયા તરફના દેશોને તેમાં જોડી રહ્યું છે અને ત્યાં મિલિટરી ડિફેન્સ સિસ્ટમ મૂકી રહ્યું છે. જે ૧૦૦% સાચુ છે.

હવે, તમે જ વિચારો કે ભારતની આજુબાજુના દેશો શ્રીલંકા, બર્મા, ભૂટાન, નેપાળ, વિગેરેમાં ચાઈના NATO જેવું કોઈ ડિફેન્સ સંગઠન બનાવી મિસાઈલ, ટેન્ક, પ્લેન વિગેરે મૂકે તો ભારતને ડર લાગે કે નહીં?

*યુક્રેન જ કેમ?*

યુક્રેન એ રશિયાનો જ ભાગ હતો. ૧૯૯૧ માં રશિયાના ભાગલા પડ્યા અને યુક્રેન અલગ દેશ બન્યો. અલગ દેશ બન્યા પછી યુક્રેન અને રશિયા વચ્ચે ઘણા સારા સંબંધો રહ્યા હતા. એટલા સારા કે ૧૯૯૫ માં NPT સંધિ અનુસાર યુક્રેન પોતાના બધા ન્યુક્લિયર વેપન રશિયાને આપી દીધા હતા. મતલબ ૧૯૯૫ માં યુક્રેનને રશિયાથી કોઈ ખતરો લાગતો નોહતો. યુક્રેનમાં સૌથી વધુ બોલાતી ભાષા રશિયન છે અને સાંસ્કૃતિક રીતે પણ યુક્રેન રશિયાની નજીક છે. જે રીતે નેપાળ, ભૂટાન દેશો ભારત અને ચીન વચ્ચે આવેલ છે તે રીતે યુક્રેન દેશ યુરોપ અને રશિયા વચ્ચે આવેલ દેશ છે. વળી, યુરોપના ટોટલ ગેસ સપ્લાયમાંથી ૩૦% ગેસ સપ્લાય રશિયા કરે છે જેની પાઈપલાઈન યુક્રેનમાંથી જાય છે. એટલે જ ભૌગોલિક રીતે યુક્રેનનું મહત્વ વધી જાય છે.

*ભવિષ્યની ચિંતામાં વર્તમાનમાં યુદ્ધ*

આમાં, યુક્રેનએ કરી બેવકૂફી. ૨૦૧૪ સુધી યુક્રેનનું રશિયા તરફી વલણ હતું યુક્રેનની નવી સરકારે તે વલણ બદલીને યુરોપીય દેશો તરફનો ઝુકાવ વધાર્યો અને NATO ના સભ્ય બનવા વિચાર્યું. અમેરિકા પણ એક એક કરીને રશિયાની બોર્ડર પર આવેલા દેશોને NATO માં જોડવા વર્ષોથી કામ કરે છે.

રશિયાનો ડર વ્યાજબી છે. અમેરિકા અલગ અલગ બહાને બાકી બધા દેશોને ધમકાવે છે, સરકારો બનાવવામાં, બગાડવામાં ચંચુપાત કરે છે. આજે વિશ્વભરમાં અમેરિકન સૈન્ય પથરાયેલ છે અને ખૂબ ટૂંકા ગાળામાં વિશ્વના કોઈપણ ભાગમાં હુમલો કરી શકે તેમ છે. એટલે એક મહાસત્તા(રશિયા)ને બીજી મહાસત્તા(અમેરિકા)થી ખતરો લાગે એ સ્વાભાવિક છે.

યુક્રેન NATO નું સભ્ય હોય અને રશિયા અને અમેરિકા વચ્ચે વોર થાય તો અમેરિકા કહે એ પ્રમાણે યુક્રેને કરવું પડે. એટલે, રશિયા એનો વિરોધ કરી રહ્યું છે. રશિયાએ એક જ દિવસમાં યુક્રેન પર હુમલો નથી કર્યો. તેની આગળનો ઘટનાક્રમ જોવા જેવો છે.

રશિયાએ NATO અને અમેરિકા સામે કેટલીક માંગણીઓ મૂકી હતી. યુક્રેન સામે નહિ હો!!! NATO અને અમેરિકા સામે. વાંચો શુ છે આ માંગણીઓ.

૧. યુક્રેનને NATO નું સભ્ય નહિ બનાવવાનું.

૨. NATO યુરોપમાં જે મિલિટરી એક્ટિવિટી કરે છે એ તરત બંધ કરી દે.

૩. યુરોપમાં જેટલી ન્યુક્લિયર મિસાઈલ છે, તે હટાવી લે.

મતલબ,

યુક્રેન નહિ NATO અને અમેરિકાના લીધે આ યુદ્ધ થયું છે. જો કે યુક્રેને રશિયા સાથે દોસ્તી કરીને, આશ્વાસન આપીને આ યુદ્ધ ટાળી શકત. પણ એને પણ રશિયાથી ડર લાગતો હોઈ, યુરોપિયન દેશો સાથે દોસ્તીમાં અને NATO ના સભ્ય બનવામાં રસ હતો.

*ભારતનું વલણ શું રહેશે?*

ભારતની વિદેશનીતિ “બિનજોડાણ”ની રહી છે. એ ક્યારેય દોસ્ત કે દુશ્મન બનાવતું નથી. પણ “સ્ટ્રેટેજીક પાર્ટનર” બનાવે છે. યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારત એકેય તરફી નહિ રહે. “યુદ્ધ ના કરવું જોઈએ.”, “બન્ને દેશો શાંતિ જાળવે.” એમ કહ્યા કરશે. પણ એકેય તરફ જોડાશે નહિ કે મદદ કરશે નહીં. વળી, ચીન સામે રશિયા ભારતનું સ્ટ્રેટેજીક પાર્ટનર છે. અમેરિકા કરતા રાશિયાનું મહત્વ ભારત માટે વધારે છે. એટલે દેશ તરીકે ભારત રશિયા વિરુદ્ધ ના જાય. ભારતની વિદેશનીતિ પ્રમાણે તો એકેય દેશના સ્પોર્ટમાં કે વિરોધમાં ભારત નહિ જાય એ પાક્કું.

*આ યુદ્ધનો અંત શુ હશે?*

યુક્રેનની બરબાદી.

અમેરિકાની ટ્રેટેજીક જીત.

રશિયાનો ખૌફ વધશે.

શીતયુદ્ધ વધુ મજબૂત બનશે.

રશિયા અને ચીન વધુ નજીક આવશે.

યુક્રેનની સૈન્ય તાકાત ખતમ કરશે, અને નવી સરકાર રશિયા તરફી બને તેવા પ્રયત્નો કરશે. જરૂર પડશે તો યુક્રેનના ભાગલા પણ કરશે.

જ્યારે અમેરિકા,

યુક્રેન પછી અમેરિકા બીજા કોઈ દેશને હાથો બનાવશે. તેને બરબાદ કરવા કામે લાગી જશે.

*વિશ્વના ભવિષ્યના યુદ્ધો*

બીજા વિશ્વયુદ્ધના બીજ, પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં જર્મનીના શોષણ, ભાગલા સાથે રોપાયા હતા. તે જ રીતે ત્રીજા વિશ્વયુદ્ધના બીજ બીજા વિશ્વયુદ્ધના અંતે NATO, UN, World Bank જેવી સંસ્થાઓના નામે રોપાયા છે. પોલિટિકલ, મિલિટરી, ઈકોનોમિકલ વિશ્વ સંસ્થાઓ બીજું કાંઈ નહિ પણ દેશોનું ગ્રુપીઝમ છે. જે ભવિષ્યના યુદ્ધ માટેની તૈયારીના ભાગ રૂપે છે. “યુદ્ધ થશે, યુદ્ધ થશે,” એમ તૈયારીઓ કરીને, એકબીજાને યુદ્ધનો ડર આપીને, ખરેખર યુદ્ધને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. એક દેશ, એક ગ્રુપ તૈયારી કરે એટલે સ્વાભાવિક રીતે જ બીજો દેશ, બીજું બીજું ગ્રુપ ડિફેન્સના નામે તૈયારીઓ શરૂ કરી દે છે. એક દેશ, એક ગ્રુપ હથિયારો ખરીદે, બોર્ડર પર તૈનાત કરે એટલે તરત જ બીજો દેશ, બીજું ગ્રુપ બોર્ડર પર પહોંચી જ જાય.

દરેક દેશ પોતાના સાર્વભૌમત્વની રક્ષા કરવા સ્વતંત્ર છે. એ પછી વાસ્તવિક ડર હોય કે કાલ્પનિક, પણ તે યુદ્ધ કરવા હંમેશા સ્વતંત્ર હોય છે. શક્તિશાળી દેશો પર કોઈ કાયદો, કોઈ સંધિ લાગુ થઈ શકતી નથી. દુનિયા હવે પહેલા જેવી નથી રહી કે કોઈ દેશ બીજા દેશ પર હુમલો કરે અને તેને જીતી લે, ગુલામ બનાવી રાખે. યુદ્ધો કરીને પણ અંતે વાતચિતથી જ રસ્તો નીકળવાનો છે. યુદ્ધના નામે નિર્દોષ લોકોનો હંમેશાની જેમ આ વખતે અને ભવિષ્યમાં પણ ભોગ લેવાશે.

“પ્રગતિ કરવી હોય તો વાતચિતથી નિવેડો લાવો. યુદ્ધ ટાળો.”

============

નોંધ : કોઈપણ મુદ્દા, સમસ્યાના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરો તો ખબર પડશે કે આજે જે થઈ રહ્યું છે તે તો માત્ર પ્રતિક્રિયા છે. મૂળ કારણ તો કંઈક અલગ જ હોય છે.