*૧૯૩૦ના ઐતિહાસિક ‘સત્યાગ્રહ’ની સ્મૃતિરૂપે કલેકટર કચેરી અમદાવાદ ખાતે કલાત્મક તકતીની થઈ સ્થાપના
અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રીય શાયરનું જેમને બિરુદ પ્રાપ્ત થયું છે એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના આઝાદીની લડત સાથેના અમદાવાદ જિલ્લા સાથે વિશિષ્ટ સંભારણાઓ રહેલા છે.
સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 125મી જન્મજયંતી અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટરની કચેરીમાં ઝવેરચંદ મેઘાણીના અમદાવાદ જિલ્લા સાથે આઝાદીના સંભારણાંની એક દુર્લભ તસવીરનું અનાવરણ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેના હસ્તે કરવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લા સાથે ઝવેરચંદ મેઘાણીનાં સ્વાંતંત્ર્ય-સંગ્રામનાં સંભારણાંને આલેખતી 4.5 x 3 ફૂટની દુર્લભ તસ્વીરની સ્થાપના પણ અમદાવાદ જિલ્લા કલેટરની કચેરી ખાતે મેઘાણી-સાહિત્ય કોર્નરની બાજુંમાં થઈ છે.
૧૨ માર્ચ ૧૯૩૦ ના રોજ મહાત્મા ગાંધીએ અમદાવાદ – સાબરમતી આશ્રમથી ૭૮ સત્યાગ્રહીઓ સાથે પગપાળા ઐતિહાસિક દાંડીયાત્રા શરૂ કરીને ૦૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. તે જ વેળાએ સૌરાષ્ટ્રના સિંહ ગણાતા શ્રી અમૃતલાલ શેઠ અને રાષ્ટ્રીય ભિક્ષુક મણિલાલ કોઠારીની આગેવાની હેઠળ અમદાવાદ જિલ્લાના ધોલેરા અને વિરમગામ ખાતે પણ મીઠાના સત્યાગ્રહનાં મંડાણ થયાં હતાં.
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભક્તિનાં ૧૫ શૌર્યગીતોનો સંગ્રહ “સિંધુડો” એ સમયે તા.૦૬એપ્રિલ ૧૯૩૦ના રોજ પ્રસિધ્ધ થયો હતો. આ ગીતોએ તે સમયે ગજબનો લોકજુવાળ ઊભો કર્યો હતો. નવ યુવાનો પોતાનું સર્વસ્વ છોડીને આઝાદીની લડતમાં જોડાઈ ગયા હતા, ત્યારે બ્રિટિશ સરકાર પણ ચોંકી ગઈ હતી અને તેમણે તુરંત જ “સિંધુડો” પુસ્તકને જપ્ત કર્યું છતાં પણ તેની હસ્તલિખિત અનેક નકલો ગામે – ગામ સુધી પહોંચી ગઈ હતી. જેના ખૂબ ઊંડા પ્રત્યાઘાતો બ્રિટિશ સરકાર પડ્યા. ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરવા માટે બ્રિટિશ સરકાર કોઈ બહાનાની શોધખોળમાં હતી અને 28 એપ્રિલ 1930ના રોજ રાજદ્રોહના આરોપસર તેમને ધંધુકાના તે સમયના ડાક બંગલો અને હાલમાં જિલ્લા પંચાયતનું રેસ્ટ હાઉસ ગણાય છે ત્યાં તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ત્યાં તેમણે કહ્યું કે મારે મારા બચાવમા કાંઈ કહેવું નથી અને તમે સજા કરવાના છો એ મને ખબર છે. ઝવેરચંદ મેઘાણીએ મેજિસ્ટ્રેટની મંજૂરી લઈને “સિંધુડો” સંગ્રહમાંથી સ્વરચિત કાવ્ય “છેલ્લી પ્રાર્થના” ધીર ગંભીર અવાજે ગાઈ સંભળાવી અને એ વખતે કોર્ટ પરિસરમાં હાજર જનમેદનીની આંખોમાં આંસુઓ આવી ગયા અને મેજિસ્ટ્રેટ પણ રડી પડ્યા એટલે આઝાદીની લડતમાં આ પ્રસંગનનો ખૂબ મોટો પ્રભાવ પડેલો. ત્યારબાદ ઝવેરચંદ મેઘાણીને બે વર્ષની સજા ફરમાવવામાં આવી અને તેમને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા જ્યાં તેમને સરદાર વલ્લભભાઈ પટેલ જેલમા સાથી તરીકે મળ્યાં. સાબરમતી જેલના સહવાસ દરમિયાન ઝવેરચંદ મેઘાણીએ અનેક લોકપ્રિય કાવ્યોની રચના કરી જેમકે કોઈનો લાડકવાયો…
અમદાવાદ જિલ્લાના ધોલેરા અને વિરમગામ સ્થિત તાલુકા સેવા સદન ખાતે 1930ના ઐતિહાસિક વિરમગામ સત્યાગ્રહની સ્મૃતિરૂપે કલાત્મક તકતીની સ્થાપના થઈ છે. મહાત્મા ગાંધી, મણિલાલ કોઠારી, ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્રો, વિરમગામ સત્યાગ્રહનો ઈતિહાસ અને તેમાં સામેલ અગ્રણી સ્વાતંત્ર્ય-સેનાનીઓનું આલેખન 4.5 x 4.5 ફૂટની કાળા ગ્રેનાઈટની તકતીમાં કરાયું છે. ધોલેરા ખાતે પણ ધોલેરા સત્યાગ્રહ – સિંધુડોની સ્મૃતિરૂપે તકતીની સ્થાપના એપ્રિલ 2022માં થઈ છે. આ થકી નવી પેઢી આપણી આઝાદીની લડત અને તેમાં નામી-અનામી સ્વાંતંત્ર્ય-વીરોએ આપેલ બલિદાન અને આહુતિથી તેમજ આપણી ગૌરવવંતી સંસ્કૃતિની મહામૂલી વિરાસત પરિચિત-પ્રેરિત થશે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલે , અધિક નિવાસી કલેકટર શ્રી પરિમલ પંડ્યા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકીભાઈ નાનકભાઈ મેઘાણી,ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટી અને ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ -રાણપુરના ચેરમેન શ્રી ગોવિંદસિંહ ડાભી, અધિક નિવાસી નાયબ કલેકટર યોગીરાજસિંહ ગોહિલ આ અવસરે વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.