પ્રાઇવેટ સ્કૂલને લપડાક: ભાણવડની સરકારી સ્કૂલની છાત્રા હેત્વીએ ધો.10માં રાજ્યમાં ચોથો ક્રમ મેળવ્યો
દેવભૂમિ દ્વારકા: ધોરણ 10નું પરિણામ જાહેર થયું જેમાં સૌથી ઓછું પરિણામ પાટણ જિલ્લાનું રહ્યું અને સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું જોવા મળ્યું. 294 શાળાઓનું 100% પરિણામ આવ્યું.
મોંઘીદાટ પ્રાઇવેટ સ્કૂલના શિક્ષણને આપણે સૌ કોઈ જાણીએ જ છીએ પરંતુ પ્રાઇવેટ શાળાને લપડાક આપતું કાર્ય દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે આવેલ શ્રી એમ વી ઘેલાણી કન્યા વિદ્યાલયમાં ધો 10 માં અભ્યાસ કરતી છાત્રા હેત્વી પ્રફુલભાઈ પરસાણીયા સહિત અન્ય ત્રણ છાત્રાઓએ કરી બતાવ્યું છે.
ભાણવડના આવેલ સરકારી કન્યા સ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રા હેત્વીએ ધોરણ 10ની પરીક્ષામાં 99.96% પીઆર મેળવી સમગ્ર રાજ્યમાં ચોથો અને ભાણવડ તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે. હત્વીએ 600 માંથી 580 ગુણ મેળવી એ1 ગ્રેડ મેળવી સમગ્ર રાજ્ય સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમજ ભાણવડ શહેરનું ગૌરવ વધાર્યું છે. દીકરી હેત્વીનો રાજ્યમાં ચોથો ક્રમાંક આવતા જ પરિવારજનો અને સ્નેહીજનો તેમજ ઘેલાણી સ્કૂલના પ્રિન્સિપાલ સહિત શિક્ષકગણમાં હર્ષનો માહોલ જોવા મળ્યો હતો અને હેત્વીને સર્વે લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
બીજી તરફ આજ સ્કૂલની અન્ય છાત્રાઓ આઘેરા પ્રિયા આર 99.90% પીઆર સાથે તાલુકામાં ત્રીજા ક્રમે તો જોશી સ્નેહા કે 99.68% પીઆર અને કણજારીયા નીલીમા એસ એ તાલુકામાં 5 મો ક્રમ મેળવી આ સરકારી શાળાનું ગૌરવ વધાર્યું છે. આમ સરકારી શાળા એમ વી ઘેલાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી દીકરીઓએ પોતાની અથાગ મેહનત અને સ્કૂલના શિક્ષણ દ્વારા લક્ષને હાંસિલ કરી પ્રાઇવેટ સ્કૂલ માટે એક ઉદાહરણ ઉભું કર્યું છે અને સાબિત કર્યું છે કે સરકારી સ્કૂલમાં પણ પૂર્ણ શિક્ષણ અને મેહનત દ્વારા કોઈ પણ ઊંચાઈને આંબી શકાય છે. એમ વી ઘેલાણી સ્કૂલની દિકરીઓએ રાજ્ય સાથે સાથે સ્કૂલનું પણ ગૌરવ વધાર્યું છે ત્યારે આવનાર સમયમાં તેઓ વધુ પ્રગતિના સોપાન સર કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન.