*વૃક્ષોના વાવેતર સાથે જતનની ખેવના સાથે વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરતું જામનગર GVK EMRI*
જામનગર: . ૫ જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી GVK EMRI દ્વારા ચાલી રહેલ ધન્વંતરિ આરોગ્ય રથ ટીમ દ્વારા કરવામાં આવી હતી. પર્યાવરણનું જતન કરવું એ આપણાં સૌની પ્રાથમિક ફરજ છે.
આપણાં સૌ દ્વારા રોજબરોજના જીવનમાં જાણતાં કે અજાણતાં પર્યાવરણને ફાયદાકારક અને મદદરૂપ પ્રવૃત્તિઓ તો થતી જ હોય છે. પરંતુ આપણે સૌ દ્વારા આડકતરી રીતે પણ રોજિંદા જીવનમાં જરૂરી ચીજ વસ્તુઓના ઉપયોગ થકી કોઈને કોઈ રીતે પર્યાવરણને નુકશાન થતું જ હોય છે.
તેથી જ વિશ્વભરમાં સૌ સાથે મળીને 5 જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી કરીને લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતતા ફેલાવવાની સાથે સાથે પર્યાવરણના જતન અને આપણી પૃથ્વી અને આસપાસના લોકોને મદદરૂપ થવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આવી જ એક ઉમદા પ્રવૃત્તિ GVK EMRI દ્વારા કાર્યરત ધન્વંતરિ આરોગ્ય રથના કર્મચારીઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણને મદદરૂપ થવાની આગવી કામગીરી કરવામાં આવી હતી. તેમજ ટીમ મેમ્બર્સ દ્વારા ફક્ત વૃક્ષો વાવવાની જ નહિ, પરંતુ તેમનું જતન કરી તેમનો ઉછેર કરવાની જવાબદારી પણ સ્વયંશિસ્તથી સભ્યો દ્વારા સ્વીકારવામાં આવી હતી.