વિસનગરના ૫૪ ગામોના અંદાજીત ૨.૮૯ લાખ અને શહેરના ૮૬ હજાર લોકોને “જલસુખાકારી” અર્પણ: આરોગ્યમંત્રી.
વિસનગર: આરોગ્ય , જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી અને વિસનગરના ધારાસભ્ય શ્રી ઋષિકેશ પટેલે વિસનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧૭૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિસનગર જૂથ પાણી પુરવઠા યોજના અને બે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરતા કહ્યું કે, કોરોનાની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ ફક્ત ૨૧ મહિનાના ટૂંકા ગાળામાં વિસનગરને પાણીદાર બનાવવાની લોકઉપયોગી યોજના પૂર્ણ કરી છે. જેમાં ૧૫૦ કરોડના ખર્ચે કાર્યરત થયેલ વિસનગર જુથ પાણી પુરવઠા યોજનામાં ૫૪ ગામો અને શહેર જ્યારે ૨૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ સિવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ થી વિસનગરના વિવિધ વિસ્તાર લાભાન્વિત બનશે.મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અગાઉ ધરોઇ જૂથ પાણી પુરવઠા યોજના મહેસાણા જિલ્લાનું અંતિમ દ્વાર હતું. વિસનગર શહેર સહિત સમગ્ર તાલુકો અને તાલુકાના ગામોને પાણીદાર બનાવીને ઘરે ઘરે શુધ્ધ પીવાનું પાણી પહોંચાડવાના વિઝન થી વિસનગર જૂથ પાણી પુરવઠા યોજના અમલી બનાવી છે.
નર્મદાના નીર થકી વિસનગરના ગામે ગામે શુધ્ધ પીવાનું પાણી પહોંચતા હવેથી ગ્રામ્ય વિસ્તારમાં દૈનિક ઘોરણે વ્યક્તિદીઠ ૧૦૦ લીટર અને શહેરી વિસ્તારમાં ૧૪૦ લીટરના આયોજન સાથે સમગ્ર તાલુકામાં ૫ કરોડ અને ૪૦ લાખ લીટરનું શુધ્ધ પીવાનું પાણી દૈનિક ઘોરણે ઉપલબ્ધ બન્યું છે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ગૌરવપૂર્ણ કહ્યું હતુ. મંત્રી શ્રી એ અગાઉની પરિસ્થિતીનો સંદર્ભ આપતા જણાવ્યું કે, અગાઉ ગુજરાત રાજ્ય પાણીથી સંકટગ્રસ્ત રાજ્ય હતુ. ગુજરાતમાં અગાઉના શાસનમાં ટેન્કર રાજ ચાલતા હતા. લોકોને દુષ્કાળની પરિસ્થિતિમાં ૩ થી ૪ દિવસે માંડ પાણી પહોંચતું..
નરેન્દ્રભાઇએ ગુજરાતના શાસનની ધૂરા સંભાળતા જ ગુજરાતને પાણીથી સમૃધ્ધ બનાવવા સુદ્રઢ આયોજન હાથ ધરીને રાજ્યમાં તળાવો, ચેકડેમ, પાઇપલાઇન, કેનાલ, સબ કેનાલ, માઇનોર કેનાલના વિશાળ નેટવર્ક દ્વારા આજે સમગ્ર ગુજરાતના ખૂણે – ખૂણે પાણી પહોંચતું કર્યું છે. જેના પરિણામે નર્મદાની વિવિધ કેનાલનું ૯૬ ટકા જેટલું કાર્ય પૂર્ણ થયું છે જેથી રાજ્યમાં પાણીનું સંકટ હવે ભૂતકાળ બન્યો છે તેમ મંત્રી શ્રી એ જણાવ્યું હતુ. તેમણે વધુમાં ઉમેર્યુ કે,શ્રી નરેન્દ્રભાઇએ જ્યારે સાશનની ધૂરા સંભાળી ત્યારે ગુજરાતમાં ૩૨ લાખ હેક્ટર પિયત વિસ્તાર હતો. ૨૦ વર્ષના સુશાસનના પરિણામે આજે રાજ્યમાં પિયત વિસ્તાર ૬૮ લાખ હેક્ટર થઇ જવા પામ્યો છે.
નર્મદાના નીર આજે વિસનગરના ગામે ગામે પહોંચ્યા છે.નર્મદાનું પાણી સમગ્ર રાજ્યમાં પહોંચાડવા અને સરદાર સરોવર ડેમની ઉંચાઇ વધારવા નરેન્દ્રભાઇ સહિત સમગ્ર ગુજરાતે અનેક પડકારોનો સામનો કર્યો છે. શ્રી નરેન્દ્રભાઇએ દેશની ધૂરા સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ ડેમની ઉંચાઇ વધારવા મંજૂરી આપતા આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં નર્મદાના નીર પહોંચ્યા છે.
મંત્રી ઋષિકેશભાઇ પટેલે વિસનગરમાં થયેલ ચોમેર વિકાસનો ચિતાર આપતા જણાવ્યું કે, વિસનગરમાં અધતન સાયન્સ કોલેજ, બસ ડેપો, નવીન આઇ.ટી.આઇ. અને અત્યાધુનિક સુવિધાઓ અને માનવબળથી સજ્જ સિવિલ હોસ્પિટલ નિર્માણ પાણી છે જે વિસનગર જનોની જનસુખાકારીમાં વધારો કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં વિસનગરમાં અંદાજીત ૧૪૦૦ કરોડની વિવિધ વિકાસ પ્રકલ્પો કાર્યાન્વિત બનતા વિસનગરજનોની સુખાકારીમાં ઉત્તરોઉત્તર વધારો થઇ જવા પામ્યો છે તેમ મંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.
આ પ્રસંગે મંત્રી શ્રી એ વિસનગરના એન.એ. વિસ્તારમાં ૭ કરોડના ખર્ચે ટૂંક જ સમયમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ કરવા સરકાર કટિબધ્ધ હોવાનું પણ જણાવ્યું હતુ.
૧૭૯ કરોડના વિકાસ પ્રકલ્પોના વિસનગર ખાતેના લોકાર્પણ પ્રસંગે મહેસાણા સંસદસભ્ય શ્રી શારદાબેન પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી કરસનભાઇ સોલંકી, અજમલજી ઠાકોર, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પરમાર, મહેસાણા કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઓમપ્રકાશજી,દુધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, વિસનગર તાલુકા પ્રમુખ શ્રી સુમિત્રાબેન, નગરપાલિકા પ્રમુખ શ્રી વર્ષાબેન , પૂર્વ સંસદ શ્રી પુંજાભાઇ ઠાકોર સહિત મોટી સંખ્યામાં વિસનગરજનો ઉપસ્થિત રહ્યા હતા.