જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ધો.૧૨ના કેડેટ્સનો વિદાય સમારોહ યોજાયો
જામનગર:તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી,જામનગરમાં ધોરણ-૧૨નો અભ્યાસ પૂર્ણ કરનાર કેડેટ્સનો વિદાય સમારોહ યોજાયો હતો. તેમાં ધોરણ-૧૨ને સમર્પિત ગીતો અને વાદ્યનો કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
અભ્યાસ પૂર્ણ કરનાર ધોરણ-૧૨ના કેડેટ્સે પોતાના સ્કૂલના અનુભવોને ભાવાત્મક અને લાગણીશિલ સ્વરમાં વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે સભાને સંબોધિત કરતા સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગૃપ કેપ્ટન રવીન્દર સિંહે કેડેટ્સના સાંસ્કૃતિક પ્રદર્શન અને લાગણી સભર ભાષણની સરાહના કરી હતી અને કહ્યું કે તમામ કેડેટ્સમાં પ્રત્યેક કેડેટ્સનું એક અદ્વિતીય વ્યક્તિત્વ હોય છે.
અંતે સ્કૂલના આચાર્ય, અધિકારીઓ અને સ્ટાફે આઉટગોઇંગ કેડેટ્સને તેમના ભવિષ્યના પ્રયત્નો માટે અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા.