RTE પ્રવેશ પ્રક્રિયા 2022-23નાં બીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવાની તક

 

 

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, અમરેલીની અખબારી યાદીના જણાવ્યા મુજબ, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ આરટીઈ હેઠળ બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ માટે પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ ન મેળવી શકનારા વિદ્યાર્થીઓ માટે વધુ એક તક આપવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને અને બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ આર.ટી.ઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુન: પસંદગી કરી શકશે. આ તક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ તા.૨૬ મે-૨૦૨૨ ગુરુવારથી તા.૨૮ મે-૨૦૨૨ શનિવાર સુધીમાં આરટીઈના ઓનલાઈન પોર્ટલ https://rte.orpgujarat.com/ પર જઈ શાળાઓની પુન: પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરી અને શાળાઓની પુન: પસંદગી કરવાની રહેશે. શાળાઓની પુન: પસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમીટ બટન ક્લિક કરી અને પ્રિન્ટ મેળવી અને પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરવવાની નથી. જેની વાલીઓએ ખાસ નોંધ લેવી. શાળાઓની પસંદગી પ્રક્રિયા અંગે કોઈ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં દર્શાવેલા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાની પુન: પસંદગી કરવા માંગતા ન હોય તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલી શાળાઓને માન્ય રાખી અને નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.૨૬ એપ્રિલ-૨૦૨૨ના રોજ યોજાયો હતો. આ રાઉન્ડમાં આશરે ૮૬૩ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી