જામનગર આમ આદમી પાર્ટી દ્વારા વનરક્ષક ભરતીમાં ગેરરીતિ મામલે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

જામનગર: જામનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા વનરક્ષક ભરતીમાં થયેલ ગેરરીતિ મામલે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સરકારી કચેરીઓમાં ખાલી જગ્યા માટે સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાય છે.

લગભગ 2 દિવસ અગાઉ રાજ્યમાં યોજાયેલ વનરક્ષકની ભરતીમાં ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા છે જે મુદ્દાને ધ્યાનમાં લઈ જામનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લા સદન કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આ મામલે તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા કેટલાય સમયથી સરકારી પરીક્ષાઓમાં કૌભાંડો બહાર આવી રહયા છે અને રાજ્યના યુવાઓના મનોબળ તૂટી રહ્યા છે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.આ પરીક્ષામાં તેમજ લેવામાં આવેલ અન્ય પરીક્ષાઓમાં જે જે પણ ગેરરીતિ થઈ છે તેની નિવૃત હાઇકોર્ટના જજ પાસે તટસ્થ તપાસ કરાવવામાં આવે અને તમામ સંડોવાયેલ મોટા માથાઓના ચહેરાઓ બહાર લાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ના નિવેદન સામે આપ દ્વારા પહેલા પકડો તો ખરાના સુત્રોચાર કરવામાં આવ્યા હતા. જે પણ મુખ્ય સૂત્રધારો છે તેના પર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં ગુજરાતના યુવાઓના ન્યાય માટે ગાંધી ચીંધ્યા માર્ગે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે તેવું મયુર ચાવડા જામનગર યુવા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધવલ ઝાલા જામનગર શહેર યુવા પ્રમુખ આમ આદમી પાર્ટી તેમજ આપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.