ઐતિહાસિક ધરોહર : ગઢચૂંદડીમાં આવેલી નવલખીવાવ ‘કૂતરાવાવ’

ઐતિહાસિક ધરોહર : ગઢચૂંદડીમાં આવેલી નવલખીવાવ ‘કૂતરાવાવ’ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ૨૨° ૭૯ અક્ષાંશવૃત્ત અને ૭૩° ૭૦ રેખાંશવૃત્ત પર ગઢચૂંદડી મુકામે ઐતિહાસિક ‘નવલખી’ નામની વાવ આવેલી છે. ઈ. સ.1732 – 1768 ના મધ્યમાં આ વાવનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. ‘નવલખીવાવ’ નવ લાખમાં બની હોવાથી ‘નવલખીવાવ’ કહેવાનું મનાય છે.આ વાવ જે તે સ્ટેટ સાથે સંચાલિત થતી હતી.વાવનું બાંધકામ વિશિષ્ટ રીતે કોતરણી સાથે કરવામાં આવ્યું છે.આ પ્રકારની વાવો ગુજરાત તેમજ રાજસ્થાનમાં વિશેષ જોવા મળે છે.જેમાં લંબચોરસ વાવના છેડે કૂવો હોય છે,કૂવાની સામેની બાજુથી વાવમાં ઉતરવા માટે પગથિયાં હોય છે.જેથી વાવમાં સરળતાથી ઉતરી શકાય. શાસ્ત્રગ્રંથો મુજબ વાવના ચાર પ્રકાર પાડવામાં આવેલા છે : (૧) નંદા (૨) ભદ્રા (૩) જયા (૪) વિજયા. જેમાં એક મુખ અને ત્રણ કૂટ (મજલા) ની વાવને નંદા,બે મુખ અને છ કૂટની વાવને ભદ્રા,ત્રણ મુખ અને નવ કૂટની વાવને જયા અને ચાર મુખ અને બાર કૂટ વાવને વિજયા તરીકે ઓળખવામાં આવે છે. નવલખીવાવનું નિર્માણ/બાંધકામ જોતાં એક મુખ અને ત્રણ કૂટ (મજલા) ની વાવ તરીકેનું જોવા મળે છે એટલે કે તેને નંદા વાવ તરીકે તેને ઓળખી શકાય.વાવમાં વિશિષ્ટ રીતે કોતરાયેલા ગોખ પણ જોવા મળે છે. ગઢચૂંદડી ગામની જમીનના પેટાળમાંથી પહેલાંના સમયમાં પુષ્કળ સોનુ મળી આવતું. આજે જમીનના દસ ફૂટ નીચે ચણતર માટેની મોટી મોટી ઈંટો મળી આવે છે. આ વાવ લાખા વણઝારાએ લોકોના સહયોગથી વાવનું નિર્માણ કર્યું હોવાનું મનાય છે.લાખો વણઝારો લાખોપતિ હતો તેથી તેને સૌ લાખો કહીને બોલાવતા.વેપાર માટે લાખો વણઝારો એક સ્થળેથી બીજા સ્થળે વેપાર અર્થે પોઠો લઈ સ્થળાંતર કરતો રહેતો.કહેવાય છે લાખો જયાં રોકાતો ત્યાં અવશ્ય વાવનું નિર્માણ કરતો. પોઠો લઈ ફરતા-ફરતા લાખો વણઝારો એક વખત ગોધરા તાલુકાના ગઢચૂંદડી ગામે આવ્યો અને અમુક સમય ત્યાં રોકાયો. આજુબાજુના વિસ્તારમાં પાણીની સમસ્યા હતી. લાખા વણઝારાએ અહીં એક વાવ બનાવી તેને ‘નવલખી વાવ’ તરીકે ઓળખવામાં આવે છે.આ વાવમાં બાવન પગથિયાં આવેલા છે.આ વાવ ૧૦૮ ફૂટ લંબાઈ અને ૧૦૮ ફૂટ ઊંડાઈ ધરાવે છે.દુષ્કાળના સમયમાં પણ આ વાવમાંથી પાણી ખૂટતું નથી. લાખો પશુઓ પાળવાનો શોખીન હતો.લાખા પાસે અન્ય પશુઓ તેમજ તેનો પાળેલો એક પ્રિય કૂતરો હતો. કૂતરો ખૂબ વફાદાર હતો. માન્યતા પ્રમાણે એક વાર લાખાને વેપારમાં ખૂબ નુકસાન થઈ જાય છે તેવા સમયે લાખો તેના વફાદાર કૂતરાને એક શેઠના ત્યાં ગીરવે મૂકે છે. કૂતરાનું મૃત્યુ થતાં લાખાને ખૂબ આઘાત લાગે છે. આ સાથે કૂતરાની યાદમાં આ વાવનું નિર્માણ થયું હોવાનું પણ માનવામાં આવે છે. આ વાવને ‘કૂતરાવાવ ‘ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈએ કોઈ પશુ અથવા કૂતરાને ભૂલથી મારી નાખ્યું હોય ત્યારે આ વાવમાં આવી સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે તેમજ જો કોઈ હડકાયું કૂતરું કરડ્યું હોય ત્યારે આ વાવમાં સ્નાન કરી લેવાથી હડકવા દૂર થઈ જવાનું મનાય છે. આસપાસના ગામના લોકો આ વાવમાંથી પાણી વાપરતા હતા.આજથી થોડા વર્ષો અગાઉ આ વાવનું પાણી પીવામાં વપરાતું હતું.અત્યારે વાવમાં પુષ્કળ પાણી છે પણ પીવા માટે વાપરી શકાય એમ નથી.જોકે આજે અમુક લોકો આ વાવમાંથી પિયત માટે પાણી વાપરે છે.એ જમાનામાં વાવમાંથી બળદ જોડીને કોસથી પાણી ખેંચવામાં આવતું હતું અને હોજમાં ઠાલવવામાં આવતું.અત્યારે આ વાવની હોજની જગ્યાએ માત્ર પથ્થરો મળી આવે છે.અત્યારે આ વાવ અવાવરું જેવી થઈ ગઈ છે. જયાં ત્યાં ઘાસ-ઝાડી -ઝાંખરા તેમજ વેલાઓ ઊગી નીકળ્યા છે.જાળવણીના અભાવે પાણી ખૂબ ગંદુ થઈ ગયું છે.તંત્ર દ્વારા આ વાવની જાળવણી કરવામાં આવે તો પાણીના સંકટ સમયમાં ઉપયોગ કરી શકાય તેમજ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટીએ વિરાસતનો દસ્તાવેજ થઈ શકે.~ પ્રવીણસિંહ ખાંટ (ગોધરા) દ્વારા