બાલાચડી સૈનિક સ્કૂલમાં 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવમાં આવ્યો.

જીએનએ જામનગર: સમગ્ર દેશમાં ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ચાલી રહેલી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવણીને અનુરૂપ જામનગરમાં આવેલી બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે મુખ્ય અતિથિ એરફોર્સ સ્ટેશન સમાનાના સ્ટેશન કમાન્ડર ગ્રૂપ કેપ્ટન ગેરાર્ડ ગાલવેએ શૌર્ય સ્તંભ – યુદ્ધના શહીદોનું સ્મારક ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને બાદમાં રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ કેડેટ્સ દ્વારા ધ્યાનાકર્ષક માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી.

કેડેટ આદિત્ય કુમાર અને કેડેટ અનુરાગ પાંડેએ અનુક્રમે હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રજાસત્તાક દિવસના મહત્વ અને મહાનતા વિશે જણાવ્યું હતું. આ મહત્વપૂર્ણ દિવસે, ઇન્ટર હાઉસ કવાયત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સિનિયર હાઉસના કૂચ કરી રહેલા તમામ સમૂહોએ મેદાનમાં તેમની સહનક્ષમતા અને ટર્નઆઉટ, માર્ચિંગ, સેલ્યુટિંગ અને સંકલનની ક્ષમતાઓ બતાવી હતી. ટાગોર હાઉસને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

મુખ્ય અતિથિએ તેમના સંબોધન દરમિયાન દેશભક્તિની ભાવના અને રાષ્ટ્ર પ્રત્યે લાગણી પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે અદભૂત માર્ચ-પાસ્ટ રજૂ કરવા બદલ અને સારી રીતે સંકલન સાથે કાર્યક્રમ કરવા બદલ કેડેટ્સને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે ધોરણ XIIના કેડેટ્સને આગામી સમયમાં આવી રહેલી NDAની પરીક્ષાઓ અને SSB ઇન્ટરવ્યુ માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે નિઃસ્વાર્થ સમર્પણ સાથે સેવા આપવા બદલ સ્ટાફના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય અતિથિએ સંબોધન દરમિયાન કેડેટ્સને સલાહ આપી હતી કે, તમે ભલે કોઇપણ માર્ગ પર આગળ વધવાનું પસંદ કરો, તેમાં સૈન્યના સિદ્ધાંતોનું ઝળહળતું દૃશ્ટાંત બનો અને તમારી જાતને, તમારા માતાપિતાને તેમજ તમારા શાળાને ગૌરવ થાય તેવું કરો.

આ કાર્યક્રમ ધોરણ XIIની પાસિંગ આઉટ પરેડ સાથે સંપન્ન થયો હતો જેમાં મુખ્ય અતિથિએ સલામી લીધી હતી.