આણંદ ખાતે એગ્રી પ્રી-વાઇબ્રન્ટ હેઠળ “નેચરલ ફાર્મિંગ” અંગેના નેશનલ કોન્કલેવનું થશે આયોજન. મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર અને પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી રહેશે ઉપસ્થિત

અમદાવાદ: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આણંદ ખાતે ૧૪ થી ૧૬ ડિસેમ્બર દરમ્યાન કૃષિ પ્રી – વાઈબ્રન્ટ સમિટ યોજવામાં આવી છે. જેમાં આવતી કાલે 16 ડિસેમ્બરે પ્રાકૃતિક કૃષિ અંગેના નેશનલ કોન્કલેવનું માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં આયોજન કરવામાં આવ્યું છે. તે અંતગર્ત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, વર્ચ્યુઅલી દેશના તમામ ખેડૂતોને સંબોધશે અને રસાયણ મુકત ખેતી તરફ ખેડુતોને આગળ વધવા પ્રોત્સાહન પુરૂ પાડશે. આ કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય કૃષિમંત્રી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આણંદ ખાતેથી રાજયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને ખેડુતોની આવક બમણી થાય તે બાબતે ખેડુતોને માર્ગદર્શિત કરશે. અમદાવાદમાં જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ટાગોર હોલ ખાતે સવારે ૧૦ કલાકે યોજાશે, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને દસક્રોઈના ધારાસભ્ય શ્રી બી.જે.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ૭૦૦ થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેશે અને દરેક ગ્રામ પંચાયત ખાતે તેમજ યુ ટયુબ, ફેસબુકના માધ્યમથી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકશે.