અમદાવાદના અમરાઈવાડી સહિત શહેરમાં છઠ પૂજાની ભાવભેર કરાઈ ઉજવણી

જીએનએ અમદાવાદ: ગુજરાત સર્વ ધર્મ માટે એક સમાન છે જ્યાં વિવિધ પ્રાંતો શહેરો રાજ્યોથી લોકો આવી વસવાટ કરે છે અને પરંપરા અને સંસ્કૃતિ મુજબ તેમના તહેવારોની ઉજવણી પર એકસાથે કરે છે. તેવું જ એક ધાર્મિક પર્વ છઠ પૂજાની પણ શહેરમાં ઉજવણી કરવામાં આવી.ઉત્તર ભારતના વસવાટ કરતા લોકોએ ઉલ્લાસ ઉમંગ સાથે ઉગતા અને ડૂબતા સૂર્યેને અર્ધ્ય અર્પિત કરી છઠ પૂજાની ઉજવણી કરી હતી. લોક આસ્થાનાં મહાપર્વ છઠમાં આથમતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવ્યું, ત્યારે આજે ગુરૂવારે સવારે ઉગતા સૂરજને અર્ધ્ય આપીને છઠ પૂજાની પુર્ણાહૂતિ કરવામાં આવશે. પૂર્વાચલીઓના સૌથી મોટા અને પવિત્ર તહેવાર છઠ પૂજાને બિહાર, ઝારખંડ, યુપીનાં સીમાવર્તી ક્ષેત્રો અને રાજધાની દિલ્હી સહિત દેશભરમાં મનાવવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં પણ છઠ પૂજાની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદમાં લગભગ 12 લાખ જેટલા ઉત્તર ભારતીયો વસવાટ કરે છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ તેમજ દિલ્હીનો સમાવેશ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એરપોર્ટ નજીક ઇન્દિરા બ્રિજના ઘાટ પાસે છઠ પૂજાની ઉજવણી થઇ રહી છે, તો બીજી તરફ અમરાઇવાડી વિસ્તારમાં જોગેશ્વરી રોડ ખાતે આદર્શ એપાર્ટમેન્ટમાં રહેતા ઉત્તર ભારતના લોકો દ્વારા પણ પારંપરીક રીતે છઠ મૈયા પર્વની ઉલાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાન દિનેશ રાજપૂત, ભાજપના ધારાસભ્ય જગદીશ પટેલ, કોર્પોરેટર મીરાબેન રાજપૂત તેમજ કોંગ્રેસના આગેવાન અરવિંદ ચૌહાણ, ધર્મેન્દ્ર પટેલ, અને ગૌતમ રાઠોડ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો.કે ગત વર્ષે કોરોનાના કારણે આ પૂજાનું આયોજન થઈ શક્યું નહોતું. આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતાં તહેવારોની ઉજવણીની મંજુરી આપવામાં આવી છે. તેવી જ રીતે 400 લોકોની મર્યાદામાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. છઠ મહાપર્વના દિવસે થેકુઆ, માલપુઆ, ખીર, સોજીની ખીર, ચોખાના લાડુ, ખજૂરનો થાળ શુભ માનવામાં આવે છે. કુલ 4 દિવસ સુધી આ મહાપર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વ્રત કરનાર સ્ત્રીઓ ઉપવાસ કરે છે અને છઠ્ઠી મૈયાની પૂજા કરે છે. ત્રીજા દિવસે સાંજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. જ્યારે ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે.