ગુજરાતમાં કેન્સરની સારવાર ક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે 75 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ રેડિયોથેરાપીના અધતન મશીનોનું લોકાર્પણ કર્યું.

જીએનએ અમદાવાદ: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી “GCRI-ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ” ના અધત્તન રેડિયોથેરાપી મશીનોનું આજરોજ લોકાર્પણ કર્યું હતુ. આ તમામ મશીનો દર્દીઓની સારવારમાં સેવાર્થે કાર્યરત કરાવતા આરોગ્યમંત્રીશ્રી એ અધત્તન મશીનો થકી દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર ક્ષેત્રે ઉદાહરણીય કામગીરી કરી રહી હોવાનું જણવી આ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોના દર્દીઓ પણ સારવાર મેળવી રહ્યા છે.
તાજેતરમાં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન યોજનાને ત્રણ વર્ષ પૂર્ણ થવા ના પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા આરોગ્ય મંથન કાર્યક્રમમાં PMJAY કાર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જી.સી.આર.આઇ. હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે દ્વીતીય ક્રમાંક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી બાબત બની રહી હતી. તેમ આરોગ્ય મંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.

રેડિયોથેરાપી ઓન્કોલોજી સારવાર ક્ષેત્રે અંદાજીત 75 કરોડના ખર્ચે અધત્તન ટેકનોલોજીયુક્ત મશીન વિકસાવનારી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલ સમગ્ર દેશમાં પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે. આરોગ્ય મંત્રીશ્રી એ ડિસેમ્બર સુધીમાં રાજ્યના ૯૦ થી ૯૫% નાગરિકોને કોરોના રસીકરણ ના બંને ડોઝ આપી સુરક્ષા કવચ પ્રાપ્ત કરાવવા સરકાર દ્વારા સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

રાજ્યના પી.એચ.સી, સી.એચ.સી, સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, સરકારી તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા, તેમના તમામ પ્રશ્નો સમસ્યાઓના રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે તમામ હોસ્પિટલોમાં ટૂંક સમયમાં “કંમાડ એન્ડ કંટ્રોલ” સેન્ટર કાર્યરત કરવામાં આવનાર હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.
મેડિકલ ક્ષેત્ર નું પીપીપી મોડેલ સેવા અને સારવારનું ઉત્તમ મોડલ રાજ્યભરમાં સાબિત થયું છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમીષા બેન સુથારે જી.સી. આર. આઇ.માં ઉપલબ્ધ થયેલ અત્યાધુનિક ઉપકરણો કેન્સર ગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક પરિણામ આપશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

આ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ, આરોગ્ય વિભાગ ના એડિશનલ ડાયરેક્ટર શ્રી આર. કે. દિક્ષીત, જી.સી.આર.આઇ.ના ચેરમેન શ્રી પંકજ પટેલ, જી.સી.આર.આઇ ના જનરલ સેક્રેટરી શ્રી પ્રશાંત કિનારી વાલા, ડાયરેક્ટર શ્રી શશાંક પંડ્યા, જી.સી.એસ.ના સી.ઇ.ઓ શ્રી સતિષ રાવ, મેડિસીટી ની વિવિધ હોસ્પિટલ અને સંષ્થાના વડા , હેલ્થકેર વર્કસ ઉપસ્થિત રહ્યા હતા.