ભારત સરકાર દ્વારા અનોખી પહેલ. ભારતીય વાયુસેના માટે 56 C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાની આપી મંજૂરી.
અમદાવાદ: કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા બાબતો સંબંધિત સમિતિ દ્વારા આજે ભારતીય વાયુસેના માટે સ્પેનના મેસર્સ એરબેઝ ડિફેન્સ એન્ડ સ્પેસ S.A. પાસેથી છપ્પન C-295MW પરિવહન એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. C-295MW વિમાન સમકાલિન ટેકનોલોજીથી સજ્જ 5-10 ટન વજનની ક્ષમતાના પરિવહન એરક્રાફ્ટ છે જે ભારતીય વાયુસેનાના જુના એવરો વિમાનોના સ્થાને સામેલ કરવામાં આવશે. ઝડપથી પ્રતિક્રિયા અને સૈનિક તેમજ કાર્ગોના પેરા ડ્રોપિંગ માટે વિમાનમાં એક રીઅર રેમ્પ દરવાજો પણ રહેશે.
કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ 48 મહિના સુધીના સમયમાં સ્પેનથી સોળ એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવશે અને કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે તેના દસ વર્ષ સુધીમાં ટાટા કન્સોર્ટિયમ દ્વારા ભારતમાં ચાળીસ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ પોતાની રીતે પ્રથમ એવી પરિયોજના છે જેમાં કોઇ ખાનગી કંપની દ્વારા ભારતના સૈન્ય વિમાનનું નિર્માણ કરવામાં આવશે. તમામ 56 વિમાનોને સ્વદેશી ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યૂટ સાથે સ્થાપિત કરવામાં આવશે. આ પરિયોજના ભારતમાં એરોસ્પેસ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે જેમાં દેશભરમાં ફેલાયેલા અનેક MSME આ વિમાનના કેટલાક ભાગોના નિર્માણમાં સામેલ હશે.
આ કાર્યક્રમ સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન આપશે કારણ કે તે ભારતીય ખાનગી ક્ષેત્રને ટેકનોલોજી સઘન અને ઉચ્ચ સ્પર્ધાત્મક ઉડ્ડયન ઉદ્યોગમાં પ્રવેશ કરવા માટેની અનોખી તક પૂરી પાડે છે. આ પરિયોજના ઘરેલુ ઉડ્ડયન નિર્માણને પ્રોત્સાહન આપશે જેના પરિણામ સ્વરૂપે આયાત પરથી નિર્ભરતામાં ઘટાડો થશે અને નિકાસમાં અપેક્ષિત રીતે વૃદ્ધિ પણ થશે.
ભારતમાં મોટી સંખ્યામાં ડિટેઇલ પાર્ટ્સ, સબ-એસેમ્બલી અને એરો સ્ટ્રક્ચરની મુખ્ય કોમ્પોનન્ટ એસેમ્બલીઓનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશની એરોસ્પેસ ઇકોસિસ્ટમમાં રોજગારીના સર્જનને પ્રોત્સાહન આપવામાં કામ કરશે અને આશા છે કે તેનાથી 600 ઉચ્ચ કૌશલ્ય પ્રાપ્ત લોકોને પ્રત્યક્ષ રોજગારી અને 3000 કરતાં વધારે લોકોને પરોક્ષ રોજગારી તેમજ આ સિવાયના 3000 મધ્યમ કૌશલ્ય પ્રાપ્ત લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને 42.5 લાખ કરતાં વધારે કામકાજના કલાકોનું ભારતના એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં સર્જન થશે. આમાં હેંગર, ઇમારતો, એપ્રન અને ટેક્સીવેના રૂપમાં વિશેષ માળખાગત સુવિધાનો વિકાસ પણ સામેલ રહેશે. ભારતમાં નિર્માણની પ્રક્રિયા દરમિયાન ટાટા કન્સોર્ટિયમના તમામ સપ્લાયરો કે જેઓ વિશેષ પ્રક્રિયાઓમાં સામેલ હશે તેઓ વિશ્વ સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય એરોસ્પેસ અને સંરક્ષણ કોન્ટ્રાક્ટર્સ માન્યતા કાર્યક્રમ (NADCAP)ની માન્યતા પ્રાપ્ત કરશે અને તેને જાળવી રાખશે તેવી આશા છે.
આ વિમાનોની ડિલિવરી પૂરી થાય તે પહેલાં, ભારતમાં C-295MW એરક્રાફ્ટ્સ માટે ‘D’ લેવલ સર્વિસિંગ સુવિધા (MRO) સ્થાપિત કરવાની યોજના પણ છે. આ સુવિધા C-295 વિમાનના વિવિધ રૂપો માટે એક પ્રાદેશિક MRO હબ તરીકે કામ કરશે તેવી આશા સેવાઇ રહી છે.
આ ઉપરાંત, OEM ભારતીય ઑફસેટ પાર્ટનર્સ પાસેથી યોગ્ય ઉત્પાદનો અને સેવાઓની સીધી ખરીદીના માધ્યમથી પોતાની ઑફસેટ જવાબદારીઓ નિભાવશે, જેથી અર્થતંત્રને વધારે પ્રોત્સાહન મળશે.
આ કાર્યક્રમ સ્વદેશી ક્ષમતાઓને મજબૂત બનાવવા અને ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનોખી પહેલ છે.
મુખ્ય અંશો: 16 એરક્રાફ્ટ સ્પેનથી ફ્લાયઅવે સ્થિતિમાં આવશે; 40 વિમાનનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. સ્વદેશી ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે અને ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ. તમામ વિમાનોને સ્વદેશી ઇલેક્ટ્રોનિક યુદ્ધ સ્યૂટ સાથે સ્થાપિત કરવામાં આવશે. ભારતીય વાયુસેનાના જુના એવરો એરક્રાફ્ટના સ્થાને નવા વિમાનો સામેલ કરવામાં આવશે. સમકાલિન ટેકનોલોજીથી સજજ 5-10 ટનની ક્ષમતાના પરિવહન એરક્રાફ્ટ.