ભારતીય તટરક્ષક દળ દ્વારા મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપ (MSAR 21)નું કરાયું આયોજન.

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના જિલ્લા હેડક્વાર્ટર્સ નંબર 15, ઓખા ખાતે 19 ઑગસ્ટ 2021ના રોજ “મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપક તૈયારીઓ માટે વિવિધ પહેલના અમલ, ક્ષમતા નિર્માણ, વિવિધ હિતધારકોમાં વધુ સારા સંકલન અને સહયોગ માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એન.ડી. ભેતરિયા આ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય નૌસેના, રાજ્ય પ્રશાસન, માછીમારી સમુદાયના પ્રતિનિધિઓ, ભારતીય રાષ્ટ્રીય માહિતી સેવા કેન્દ્ર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને VTMS ઓખાએ પણ આ વર્કશોપમાં ભાગ લીધો હતો.ભારતીય તટરક્ષક દળ (ICG) ભારતીય સર્ચ અને રેસ્ક્યૂ પ્રદેશ (ISRR)માં મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ (M-SAR) માટે નોડલ એજન્સી છે. આવા વર્કશોપ રાષ્ટ્રીય M-SAR મેન્યૂઅલની જોગવાઇઓ અંતર્ગત યોજવામાં આવે છે અને ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક રાષ્ટ્રીય M-SAR બોર્ડના ચેરમેન છે. આ કાર્યક્રમ માછીમાર સમુદાય અને દરિયાખેડૂઓમાં સલામતીના વિવિધ માપદંડો અંગે અને દરિયામાં ફસાયેલા લોકોને સહાય કરવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત, “SARમાં ટેકનિકલ આવિષ્કાર, સ્વાયત્ત જહાજોનો ઉપયોગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેટેલાઇટ SAR ટેકનોલોજીમાં ટ્રેન્ડ્સ” અંગે એક પ્રેઝન્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.