જિલ્લા વિકાસ અધિકારી પલસાણાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ
સમિતિની યોજાઇ બેઠક



સરકારી બાકી લેણાંની વસુલાતને ઝુંબેશરૂપે ઘનિષ્ટ બનાવી તેની નિયત લક્ષ્યાંક સિધ્ધિ
માટેનું સુચારૂં આયોજન ઘઢી કાઢવા ડીડીઓની હિમાયત

રાજપીપલાતા 19

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ જનપ્રતિનિધિઓ દ્વારા જિલ્લા પ્રસાશનના જુદા જુદા વિભાગોને લગતી કરાતી લોકરજૂઆતોનો સમયસર, વાજબી અને ઝડપી નિકાલ-ઉકેલ લાવવાની સાથોસાથ જે તે પ્રશ્નના કરાયેલા નિકાલ-ઉકેલ અંગેની વિગતવાર બાબતની જાણકારીથી સંબંધિત જનપ્રતિનિધિ સમયસર વાકેફ થાય તે રીતેની કાર્યપ્રણાલી અપનાવવા ખાસ અનુરોધ કર્યો છે.

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડીંડોર, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજસ ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ, જિલ્લા આયોજન અધિકારીશ્રી પ્રશાંત પાંડે, મુખ્ય જિલ્લાઆરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, સિવિલ સર્જનશ્રી અને CDMO ડૉ.જ્યોતીબેન ગુપ્તા સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ જિલ્લાના દરેક તાલુકાઓમાં વિકાસ કામોનું સપ્રમાણ રીતે આયોજન કરવાની સાથે જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાતી બાબતોને વિશેષ પ્રાધાન્ય અપાય તે જોવાની જરૂરિયાત પર ખાસ ભાર મુક્યો હતો.

જિલ્લા વિકાસ અધિક પી.ડી.પલસાણાએ ઉકત બેઠકમાં વિવિધ વિભાગોની સરકારી બાકી લેણાંની વસુલાતની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરીને આ કામગીરી ઘનિષ્ટ બનાવવા અને રૂટીન વહિવટી કામગીરીની જેમ બાકી વસૂલાતની કામગીરી પણ નિયમિત રીતે થતી રહે તે મુજબની લક્ષ્યાંક સિધ્ધિ માટેનું સુચારૂં આયોજન ઘડી કાઢવાની હિમાયત કરી હતી.

આ બેઠકમાં સરકારી કચેરીઓના બાકી તુમાર સેન્સસ, બાકી કાગળોના નિકાલ, કર્મચારીઓના ઉચ્ચત્તર પગાર ધોરણ, બાકી પેન્શન કેસ, પ્રવર્તતા યાદી, ખાનગી અહેવાલ, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, નાગરિક અધિકારપત્ર હેઠળની અરજીઓના નિકાલ, રેકર્ડ વર્ગીકરણ વગેરે જેવી કામગીરી સંદર્ભે જિલ્લાની તમામ કચેરીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી અને જે તે બાબતોના ઝડપી ઉકેલ-નિકાલ માટે જરૂરી માર્ગદશર્ન પૂરૂં પાડવામાં આવ્યું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા