બિલકુલ સાદગીથી પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે જળયાત્રાનું બહુ મહત્વ મનાય છે. ધાર્મિક ઉત્સવ
તા.24મી જૂને જળયાત્રાના ભાગરૂપે પ્રતિકાત્મક શોભાયાત્રા કાઢીને સાબરમતી નદીના કાંઠે જઇ મંદિરના સેવકો દ્વારા ગંગાપૂજન વિધિ કરાશે અને ત્યાંથી જળ ભર્યા બાદ મંદિરે આવી ભગવાનને જળાભિષેક કરાશે
નાયબ મુખ્યમત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા જળયાત્રામાં વિશેષ હાજરી આપશે – કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ મુજબ જ જળયાત્રા યોજાશે
જળયાત્રામાં શક્ય હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે
આ વખતે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે સૌથી મહત્વની મનાતી જળયાત્રાનો ઉત્સવ પણ બિલકુલ સાદગી અને કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ મુજબ જ ઉજવવામાં આવનાર છે. તા.24મી જૂનના રોજ માત્ર પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે બિલકુલ સાદાઇપૂર્વક ભગવાન જગન્નાથજીની જળયાત્રા કાઢવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ જળયાત્રા સાદગીપૂર્ણ રીતે અને મંદિરના મહંત, ટ્રસ્ટી અને સેવકોની ગણતરીના લોકોની હાજરી વચ્ચે જ યોજવાનું આયોજન કરાયું છે અને જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.