ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સને આજે ૬૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આજ રોજ કોલેજના ઈતિહાસની ઝલક તથા એચીવમેન્ટ્સ સંદર્ભની બુકનું જીએલએસના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ શ્રી સુધીરભાઈ નાણાવટી ધ્વારા વિમોચન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે શ્રી નાણાવટીએ કહ્યું હતુ કે અમદાવાદમાં જયારે કોમર્સનું ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો નહીવત હતી ત્યારે ૧૯૫૬ની ૨૦મી જૂને એચ.એ.કોલેજની સ્થાપના થઇ હતી. માત્ર ૬૦ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ કોલેજમાં માત્ર એકજ મહીલા વિદ્યાર્થીની હતી. સમાજના તમામ વર્ગને પોષાય તેવી સામાન્ય ફી લઈને વિદ્યાર્થીઓને કોલેજમાં ઉચ્ચ શિક્ષણ આપવાની સગવડ ઉભી કરવામાં આવી હતી. આજે આ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ સીએ, ઉદ્યોગપતિઓ, વકીલો, જજીસ તથા સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ ધરાવે છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજની સખત મોંઘવારીમાં માબાપને પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવુ અઘરૂ થઇ ગયુ છે. આવી પરિસ્થિતિમાં જીએલએસ મેનેજમેન્ટની મદદથી એચ.એ.કોલેજ છેલ્લા ૬૫ વર્ષથી ઉચ્ચ શિક્ષણ આપવાની સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. એચ.એ.કોલેજની ઉત્તરોત્તર પ્રગતિ માટે કોલેજનાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ પણ સિંહફાળો આપ્યો છે