દુનિયા હંમેશા સદગુણોનું સન્માન કરે છે. સન્માન માટે વિશિષ્ટ પ્રકારના ગુણોની આવશ્યકતા રહે છે. શાસ્ત્રો અનુસાર દરેક વર્ણનું પણ સન્માન તેના ગુણો અને વિશિષ્ટતાને આધીન છે જેમ કે બ્રાહ્મણોનું સન્માન જ્ઞાનથી, ક્ષત્રિયોનું સન્માન શક્તિથી, વણિકનું સન્માન ધન કે લક્ષ્મીથી અને શુદ્રનું સન્માન ઉંમરથી થાય છે. જે બ્રાહ્મણ પાસે યથાર્થ જ્ઞાન નથી તે બ્રાહ્મણ હોવા છતાં સન્માનને પાત્ર નથી, તેમજ ક્ષત્રિય પાસે શક્તિસામર્થ્ય ન હોય અને વણીક પાસે નૈતિકતાસભર લક્ષ્મી ન હોય તો તે સન્માનને પાત્ર નથી. ગરીબ અને નબળા વર્ગની વ્યક્તિ પર થતા અત્યાચારથી જે ક્ષત્રિયનું લોહી નથી ઉકળતું, જે તેના શક્તિસામર્થ્યનો જરૂરિયાતમંદની સહાય માટે ઉપયોગ નથી કરતો તે ક્ષત્રિય રાજા હોવા છતાં પણ સન્માનને પાત્ર નથી. વણિકનું માન માત્ર તેના ધનસંચયથી નથી પરંતુ તેની પાસે રહેલ લક્ષ્મી કેટલી નૈતિક છે તેનું મૂલ્ય છે. જે વણિક નૈતિકતાસભર લક્ષ્મીનો સમાજકલ્યાણ માટે ઉપયોગ કરે છે તે જ સન્માનને પાત્ર છે. વળી શુદ્રવર્ગ એટલે સેવકવર્ગ, જેની પાસે જ્ઞાન, શક્તિ કે ધન કાંઈ ન હોવા છતાં સેવાનો એક એવો ઉત્તમ ગુણ છે જે તેને સન્માનનીય બનાવે છે. ઉમરને આધિન અનુભવોનો એવો નીચોડ છે એની પાસે જે તેના સન્માનનું કારક છે.
સમાજમાં વડીલોને પગે લાગવાની પરંપરા અને સંસ્કાર પાછળ પણ આવી જ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. જ્યારે નિસ્વાર્થ, પ્રેમાળ અને પોઝિટિવિટીથી ભરેલો માણસ કોઈને આશીર્વાદ આપે છે તે અવશ્ય ફળે છે. પરંતુ ન જ્ઞાન હોય કે જેના દ્વારા સમાજ કલ્યાણ શક્ય બને, ન શક્તિ હોય કે ન નબળા વર્ગને સહાયક બનવાની ભાવના, કે ન પોતાના સંચિત ધનનો જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગ કરવાની દાનત કે ન દાન કે ત્યાગની ભાવના હોય, કે ન વડીલ તરીકે અનુભવનો કોઈ નિચોડ કે જે સમાજ ઉપયોગી થાય કે ન વિધાયકતા અને નિસ્વાર્થ સેવાનો ભાવ તો સન્માન કેવી રીતે થાય? વ્યક્તિ માત્ર ઉંમરથી વડીલ હોય પણ ન નિસ્વાર્થ હોય, ન સેવાભાવી, ન નૈતિક-મૂલ્યવાન કે ન દયાભાવી તો સમાજ એવા વડીલોનું સન્માન કરે કેવી રીતે? જ્યારે સમાજમાં વડીલોનું સન્માન ન થાય ત્યારે સમાજ બાળકો કે યુવાપેઢી પર તિરસ્કાર વરસાવે છે કે આધુનિક પેઢી સંસ્કાર જ ભૂલી ગઈ છે, ભ્રષ્ટ થઈ ગઈ છે, વડીલોની આમન્યા જાળવતી નથી. વાસ્તવમાં સન્માન કોઈ આપવાની વસ્તુ નથી એ તો મેળવવાની કે કમાવવાની વસ્તુ છે. જેમ આપણે જીવનભર જ્ઞાન, ધન, શક્તિ વગેરે મેળવવાનો કે કમાવવાનો પ્રયત્ન કરીએ છે એ રીતે જો સન્માન મેળવવાનો કે કમાવાનો પ્રમાણિક પ્રયત્ન કર્યો હોય તો આધુનિક પેઢી સન્માન આપવા મજબૂર અવશ્ય બને. ઘમંડીમાં ઘમંડી વ્યક્તિ પણ સદગુણો સામે હંમેશા ઝૂકતો હોય છે એ મારો અનુભવ છે.
વાસ્તવમાં આજના આધુનિકયુગના વડીલોને બાળકોએ માત્ર ધનની પાછળ ભાગતા જ જોયા છે, અન્યની ટીકા કરતાં, ઝઘડતાં અને ઈર્ષા કરતા જ અનુભવ્યા છે, કેવી રીતે અન્યથી (અનૈતિક રસ્તે) આગળ નીકળી સફળતા મેળવી શકાય તે અંગેના પ્રયત્નોમાં વ્યસ્ત જ જોયા છે. જેથી જાણે કે અજાણે યુવાપેઢી એ જ શીખી રહી છે કે જીવનમાં જો કંઈ જરૂરી હોય તો તે ધનસંચય છે અને તે કોઈપણ અનૈતિક રસ્તે તે કરી શકાય કેમ કે દુનિયા શક્તિસામર્થ્ય અને દેખાડાને પસંદ કરે છે. સારું હોવું જરૂરી નથી પરંતુ સારું દેખાવવું ખૂબ અગત્યનું છે. લગભગ બધા જ બહાર ખૂબ સારા હોય છે પરંતુ ઘરમાં અસંખ્ય સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે કેમ કે બહારના સંબંધોમાં થોડા સમય માટે તેઓ આબેહૂબ નાટક (સારા દેખાવાનું) કરી લે છે. જે નાટક ઘરમાં શક્ય બનતું નથી જેથી સમસ્યા અને સંઘર્ષનું સર્જન થાય છે. સારા દેખાવા કરતાં સારા બનવાનું શિક્ષણ આપવામાં આવે તો સમાજમાં દરેકનું સન્માન સહજ બને. આમ પણ પ્રકૃતિનો નિયમ છે “આપો તેવું મેળવો” વડીલો પ્રત્યે સન્માન ઇચ્છો છો તો બાળકોને શરૂઆતથી જ સન્માન શીખવાડો. તમે તમારા વડીલોને સન્માન આપ્યું હશે જે તમારા સંતાનોએ જોયું હશે તો તે અવશ્ય અનુકરણ કરશે. નિસ્વાર્થતા, નૈતિકતા, શિસ્ત અને મૂલ્યોનું શિક્ષણ જો તમે નવી તૈયાર થનાર પેઢીને આપ્યું હશે તો તે પેઢી તેમના વડીલોનું કે જેમની પાસેથી તેમણે ઉત્તમ શિક્ષણ મેળવ્યું છે તેની દિલથી કદર કરશે. તમારી સારાઈને તેવો કદી ભૂલી નહી શકે અને સન્માન સ્વાભાવિક બની જશે.
આજે તો એ હાલત છે કે વડીલોથી પરેશાન સંતાનો ક્યારે તેમનાથી છૂટે તેની રાહ જોતા હોય છે અને સમાજ એવું સમજે છે કે ધન માટે બાળકો માતા-પિતાના મૃત્યુની રાહ જુએ છે. પરંતુ એ હંમેશા સત્ય હોતું નથી. માતા-પિતા કે જેવોએ સંપૂર્ણ અસુરક્ષાની ભાવના હેઠળ (કે આજના બાળકો આપણને સાચવવાના જ નથી, પૈસો જ કામ આવે છે) આખી જિંદગી પૈસાની જ પૂજા કરી હોય છે જેથી જરૂરતને સમયે સંતાનોની સહાય કે સન્માન મેળવી શકતા નથી. જરૂરિયાતને સમયે માત્ર પૈસો જ નહીં સંબંધો અને પોતાના લોકો કામ લાગતા હોય છે પરંતુ શરત એ છે કે સંબંધો નિસ્વાર્થ સાચવ્યા હોવા જોઈએ. આ તો જ્યારે વડીલોનો સમય હોય ત્યારે તે બાળકોને પોતાના સ્વભાવ, ગુસ્સો, જીદ, જડતા અને અયોગ્ય આદતો દ્વારા હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખતા અને આખી જિંદગી નકારાત્મકતાથી સિંચેલા સંબંધો પાસે અંત સમયે ઢળતી ઉંમરે હદ બહાર અપેક્ષાઓ રાખે છે. જે સામાન્ય રીતે પૂરી થવી અસંભવ છે. અપેક્ષા પૂર્ણ ન થતા વડીલો દ્વારા યુવાપેઢીની ટીકા-ટિપ્પણી શરૂ થાય છે અને તે પણ અવિરત, જે સંબંધોને વધુ ઝેરી બનાવે છે.
કુદરતના નિયમ અનુસાર બાળકોને પાંખ આવે ત્યાં સુધી જ તેમનું જતન અને સહવાસ વડીલોનું પ્રારબ્ધ છે એટલે કે બાળકો મોટા થાય તેમના લગ્ન થાય પછી પણ તમે એવું ઇચ્છો કે તમાર સંતાનો તમારા જ રહેવા જોઈએ, તમારા માટે જ જીવવા જોઈએ, પોતાના જીવનસાથી કરતાં વધારે મહત્વ માતા-પિતાને જ આપતા હોવા જોઈએ તો તે સદંતર અયોગ્ય અપેક્ષા છે. જો તમારા સંતાનો પાસે તમારી આવી જ અપેક્ષા હોય તો તેના લગ્ન જ શા માટે કરાવવા જોઈએ? વડીલોનો તો રોલ એ છે કે તે સંતાનોને સમજાવે કે હવે તમારી જિંદગીનો બીજો અધ્યાય શરૂ થઇ રહ્યો છે જ્યાં જીવનસાથીને મહત્વ આપતા, જીવનસાથીની ઈચ્છા-અપેક્ષાનું સન્માન કરતા શીખો જેથી આવનાર જિંદગી સ્નેહસભર અને આનંદમય બને કેમ કે હવે અમે તો આજે છીએ અને કાલે નથી. પરંતુ વાસ્તવમાં થાય છે ઊલટું, કોઈ મા-બાપ પોતાનો દીકરો વહુને મહત્વ આપે, તેનું સન્માન કરે, તેને પ્રેમ કરે તે સહન કરી શકતા નથી. અમારો દીકરો તો વહુઘેલો થઇ ગયો છે એમ કહી તેનું જીવવું દુભર કરી મૂકે છે. વળી દીકરાના મનમાં વહુના દોષો અંગે એટલી બધી કડવાહટ ભરી મૂકે છે કે દીકરો મા-બાપનું સન્માન તો કરી નથી શકતો પરંતુ જીવનસાથી સાથે સ્નેહસભર અને આનંદમય જીવન પણ ખોઈ બેસે છે. જાણે સતત કંઈક ખોટું થઈ ગયું છે કે થઈ રહ્યું છે તેના અફસોસમાં સર્વનું જીવન દૂષિત થઈ જાય છે.
વડીલોનો તો નૈતિક ફરજ છે એક ઉત્તમ પેઢી તૈયાર કરવાની. વળી ઘડપણ એ તો અનેક જીવનબોધ બાદ આવતી જ્ઞાનની યુવાની છે, એ સમયને નિસ્વાર્થ અને નૈતિક બનાવવામાં આવે તો પોતાનું અને પોતાની પેઢીનું જીવન સ્વર્ગ બનાવી શકાય. પરંતુ આજના મા-બાપ તો સંતાનનું આયોજન કરે ત્યારથી જ જાણે માનસિક સોદાબાજી કરતા હોય છે કે મેં તારા માટે ખૂબ ભોગ આપ્યો છે એટલે તારે મારા માટે આટલું તો કરવું જ જોઈએ. સંતાનોનું જીવનમાં સ્વાગત પણ કદાચ પોતાનો બુઢાપો સચવાય એ સ્વાર્થ સાથે જ થતું હોય છે. વળી આવા ગણતરીપૂર્વકના આયોજન, સોદાબાજી અને મૂડીરોકાણથી નફો જ થવો જોઈએ એવી જડ અપેક્ષા રખાય છે. પરંતુ પ્રાકૃતિક નિયમો અનુસાર સ્વાર્થપૂર્વકની ગણતરી દ્વારા થયેલ કાર્યો જીવનમાં ક્યારેય સુખ-શાંતિ કે માતબર વળતર આપી શકતા નથી. વડીલો જો યુવાપેઢી પાસે સન્માન ઈચ્છતા હોય તો તેમણે ચોક્કસ સદગુણો તો કેળવવા જ રહ્યા. સમાજમાં કોઈ જ વડીલોનું સન્માન નથી થતું એવું પણ નથી. જે વડીલો સન્માન ડિઝર્વ (deserve) કરે છે, સન્માને લાયક છે, જેમનામાં સદગુણોનો ભંડાર છે, આપવાની ભાવના છે, સ્વાર્થની ગેરહાજરી છે તેમનું સન્માન તો માત્ર તેમના સંતાનો જ નહીં અન્યના સંતાનો પણ કરે છે. એનો અર્થ એ થયો કે યુવાપેઢીમાં યોગ્યનું સન્માન કરવાના ગુણની ગેરહાજરી નથી. પરંતુ મોટેભાગે વડીલોમાં માન-સન્માન માટે જરૂરી ગુણવત્તાની ગેરહાજરી વર્તાય છે. જે તેમને દુઃખી કરે છે.
શાસ્ત્રો અનુસાર પુત્ર ચાર પ્રકારના હોય છે.
૧) ઋણાનુબંધી પુત્ર – કે જે પરભવનું કંઈક ચૂકવવાનું બાકી રહી ગયું હોવાને કારણે લેવા માટે પુત્ર બની ઘરમાં આવે છે. જેને તો ચૂકવે જ છૂટકો, પાછું મેળવવાની અપેક્ષા વ્યર્થ છે.
૨) વેરીપુત્ર – કે જે પૂર્વજન્મનો કોઈ દુશ્મન બદલો લેવા, શત્રુતા નિભાવવા તમારા ઘરમાં પુત્ર બની આવ્યો હોય છે. જે તમને રડાવીને કે હેરાન કરીને જ શાંત થઇ શકે.
૩) ઉદાસીન પુત્ર – કે જે ન તમારું સારું કરે કે ન ખરાબ, લગ્ન સુધી તમારી સાથે રહે અને લગ્ન થતાં પત્નીને લઈ અલગ રહેવા જતો રહે.
૪) સેવકપુત્ર – કે જે તમારા અનેક જન્મોના સારા કર્મોનું પરિણામ છે. કોઈ જીવનું તમે ખૂબ સારું કર્યું હોય તે તમારી સેવા કરવા અને તમને દરેક પ્રકારનાં સુખ આપવા પુત્રરૂપે તમારા ત્યાં જન્મે છે.
આમ તમારા સંતાનો (પુત્ર કે પુત્રી) આ ચારમાંથી કઈ કેટેગરીના છે તેનો આધાર તમારા પોતાના કર્મો પર છે. નિસ્વાર્થભાવે સર્વનું સારું કરનારનું ક્યારેય ખરાબ થતું નથી. વળી તેઓનું સન્માન માત્ર પોતાના લોકો જ નહીં પારકા પણ હરહંમેશ કરતા જ હોય છે. જરૂર છે માત્ર ગુણ સંપન્ન કરવાની. આપણે આખી જિંદગી પૈસા પાછળ ભાગીયે, દંભી જીવન જીવીએ, સારા બનવાને બદલે સારા દેખાવાની કોશિશ કરીએ અને પછી અપેક્ષા રાખીયે કે મારા સંતાનો મારું સન્માન કરે, મને સાચવે તો તે કેવી રીતે શક્ય છે? કેમ કે તમે બાવળ વાવી કેરીની અપેક્ષા રાખો છો, જે કુદરતના નિયમોનુસાર શક્ય નથી.
યુવાપેઢી પાસે સન્માનની અપેક્ષા રાખતા વડીલોએ સૌપ્રથમ યથાર્થ જ્ઞાન મેળવવું પડે તેમ જ પ્રાપ્ત જ્ઞાનનું દાન આવનાર પેઢીને કરવું પડે. શક્તિ (શારીરિક-માનસિક આત્મિક) કેળવવી પડે અને શક્તિદાન જ્યાં જયારે જરૂર પડે ત્યાં બાળકોના વિકાસમાં નિસ્વાર્થભાવે કરવું પડે. કોઈ ગણતરી કે સોદાબાજી સલાહભરેલ નથી. મેં તારા માટે બહુ ભોગ આપ્યો એટલે તારે પણ આપવો પડે એવી કોઈ વ્યવસ્થા પ્રકૃતિમાં હોતી નથી, આ તો બધા લેણદેણના લેખાજોખા છે. ઈશ્વરના સામ્રાજ્યમાં કોઈ પ્રકારના સોદા સ્વીકાર્ય નથી. સ્વયંઅર્જિત ધન બાળકોને જીવતાજીવત આપવાની ભાવના કેળવવી પડે કે જેથી બાળકોને અહેસાસ થાય કે મા-બાપના જીવનમાં ધન નહિ સંતાન મહત્વના છે. જે તેમના હૃદયમાં સન્માન પેદા કરશે. આજની પેઢીના મનમાં એવું ઠસી ગયું છે કે મા-બાપને ધન વધુ પ્રિય છે કેમ કે તેમણે પહેલેથી જ મા-બાપને ધન માટે મરતા જોયા છે અને છેલ્લે જીવનના અનુભવોના પદાર્થપાઠ બાળકોમાં વહેંચવા જોઈએ, તેમને યોગ્ય-અયોગ્યની સમજણ આપો, સદગુણોની પ્રાપ્તિમાં તેમની સહાય કરો, સતત એમની પડખે ઊભા રહો અને સમયે-સમયે જરૂરી બાબતોનું પ્રેમાળ સૂચન કરતા રહો. (સલાહસૂચનની રીત ખૂબ પ્રેમાળ હોવી જોઈએ કે જેથી બિનજરૂરી રોક-ટોક ન લાગે) સામાન્ય રીતે માતાપિતા સૂલ્લક અને બિનજરૂરી નાની-નાની બાબતોમાં ટોકતા હોય છે પરંતુ જ્યાં સંસ્કાર, મૂલ્ય કે નૈતિકતાની વાત આવે ત્યારે મૌન સેવે છે, જે તેમના સન્માન માટે બાધક બને છે. મોટાભાગના મા-બાપને મેં બાળકોને એવી સલાહ આપતા સાંભળ્યા છે જોયા છે કે ફલાણાએ આપણી સાથે ભૂતકાળમાં ખરાબ કરેલું જેથી એમનો સમય આવે ત્યારે તમારે પણ યોગ્ય પાઠ ભણાવવો. વડીલો બાળકોને એવું નથી શીખવાડતા કે ફલાણાએ આપણું ખૂબ ખરાબ કર્યું છે પરંતુ તમે જેટલું બને તેટલું તેઓનું સારું કરજો. આવી સલાહ બાળકોના મનમાં મા-બાપની ઇમેજને ટોચે પહોંચાડે છે. તેમને સમજાય છે કે આપણા વડીલો ખૂબ આદર્શ છે. આપણે સૌ જાણીએ છીએ કે અનુકરણ કંઈ પણ શીખવાની સૌથી સરળ રીત છે. વડીલોની સલાહ કરતા વડીલોનું વર્તન અને કાર્યોને સંતાનો જીવનપર્યંત ભૂલી નથી શકતા. સંતાનોએ આખી જિંદગી જે જોયું છે, તેના અનુકરણ દ્વારા સંસ્કાર દ્રઢ બને છે અને ધીરે-ધીરે એ આદતમાં પરિણમે છે, જે તેનો સાથ કદી છોડતા નથી.
ટૂંકમાં વડીલોનું સમાજમાં સન્માન નથી થતું તેમ જો કોઈને લાગતું હોય તો તેમાં માત્ર યુવા પેઢીનો જ વાંક છે તેવું નથી. વળી વડીલોમાં કોઈ સદગુણ ન હોવા છતાં જો યુવાપેઢી વડીલોનું સન્માન કરી શકે તો તેના જેવું ઉત્તમ બીજું શું હોઈ શકે પરંતુ આધુનિકયુગમાં દોષ કે દુર્ગુણોનું સન્માન થવાની શક્યતા નહીવત છે. તેમ છતાં આવી ઉત્તમ પેઢી જો તમે ઈચ્છો છો તો તેને તૈયાર કરવા માટે નિસ્વાર્થ પરિશ્રમ તો કરવો જ રહ્યો એવું મારું અંગત મંતવ્ય છે.