*સેનાના જવાનો બચાવ કાર્યમાં તત્પર.. ભારતીય સૈન્ય દ્વારા તૌક્તે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સહાયતા આપવામાં આવી..*
અત્યંત તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું તૌક્તે અરબ સમુદ્રમાં આવેલું એક શક્તિશાળી ઉષ્ણકટિબદ્ધિય વાવાઝોડું છે જેના કારણે 90 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને સંખ્યાબંધ લોકો લાપતા છે. આ વાવાઝોડના કારણે ગુજરાતમાં 2,00,000 લોકો વિસ્થાપિત થયા છે. આ વાવાઝોડાના કારણે ભારતમાં પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે.
ભારતીય સૈન્યના જવાનોએ હંમેશની જેમ શરૂઆતથી જ આગળ આવીને સર્વાધિક ઝડપ સાથે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીઓ હાથ ધરી છે. સમગ્ર રાહત કામગીરીઓ પર કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસ દેખરેખ રાખી રહ્યાં છે. રાહત કાર્ય અગાઉથી જ નાગરિક પ્રશાસન સાથે ખૂબ સારી રીતે સંકલનમાં કરવામાં આવી રહ્યું છે, સમયની જરૂરિયાત અનુસાર વધારાની સહાયતા અને આયોજનોમાં ફેરફારો કરવામાં આવ્યા હોવાથી સ્થાનિક લોકોની જરૂરિયાતો લગભગ સંપૂર્ણ નિષ્ઠા સાથે પૂરી થઇ શકી છે. બચાવ ટીમો ચક્રાવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં અદભૂત કામગીરી કરી રહી છે.
ભારતીય સૈન્ય બચાવ અને રાહત ટીમોએ, ટકાઉક્ષમ પ્રયાસો સાથે, દીવના મુખ્ય માર્ગને ખુલ્લો કરી દીધો છે જે ચક્રાવાતના કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થઇ ગયા હોવાથી બ્લૉક થઇ ગયો છે. મુખ્ય માર્ગ ખુલ્લો થવાથી આવશ્યક વસ્તુઓ અને તબીબી સહાયની હેરફેર શરૂ થઇ ગઇ છે. સોમનાથ અને દીવ વચ્ચેનો માર્ગ કેટલીય જગ્યાએ બ્લૉક થઇ ગયો હતો તેને પણ ભારતીય સૈન્ય દ્વારા વાહનોની અવરજવર માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. સૈન્ય દળો દ્વારા ચક્રાવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સમયસર તબીબી સહાય આપવા અને સ્થાનિક લોકોની કાળજી લેવા માટે સંખ્યાબંધ ફિલ્ડ મેડિકલ પોસ્ટ્સ સ્થાપિત કરવામાં આવી છે. સૈન્ય “રાષ્ટ્ર સર્વોપરી”ના મુદ્રાલેખ સાથે હંમેશા દેશમાં કટોકટીના સમયમાં તારણહાર તરીકે અડીખમ ઉભું છે.