વર્ષો પહેલાં જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટે એક વાત લખી હતી

Happy birthday Manto

વર્ષો પહેલાં જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટે એક વાત લખી હતી. રાજકોટ ખાતે એક બૂકસ્ટોલમા એક ભાઇ મન્ટોના પુસ્તકો ખરીદવા આવ્યા. દુકાનદારે મન્ટોના પુસ્તકો કાઢી આપ્યા. બધા પુસ્તકોની કિંમત અંદાજે અગિયારસો રૂપિયા થતી હતી. ખરીદનાર વ્યક્તિ પાસે પૂરતા રૂપિયા ન હતાં. તેણે પુસ્તકો મૂકી રાખવા કહ્યું, થોડીવારમાં પૈસા લઈને આવે છે. દુકાનદારે ખરીદારને કહ્યું કે પુસ્તકો લઈ જાવ અને પછી પૈસા આપી જજો. ખરીદી કરનારો પુસ્તકો લઈ ગયો. દુકાનમાં હાજર અન્ય ગ્રાહકે દુકાનદાર ને પૂછ્યું કે આ માણસ પુસ્તકો લઇને ગયો એ પૈસા ન આપે તો? સાવ અજાણ્યા માણસ પર ભરોસો શા માટે મૂક્યો? દુકાનદારે મજાનો જવાબ આપ્યો કે જે માણસ મન્ટો માંગે એ કદી બેઇમાનદાર ના હોઇ શકે. મન્ટો નામ જ ઈમાનદારીનો પર્યાય છે. હકીકત એ પણ છે, કદાચ માણસ પૈસા ન આપે પણ મન્ટોને વાંચ્યા બાદ જાતને છેતરતા ભૂલી જાય. માણસજાતની અંદર છૂપાયેલા રાક્ષસને, માણસજાતની પાશવી વિકૃતિઓ હોય કે માણસજાતની અંદર રહેલા ભાવને ક્રૂરતાપૂર્વક ઈમાનદારીથી બહાર લાવવાનું કામ કર્યું હોય તો એ ખાલી મન્ટોએ. કોઈ ખોખલી ખોખલી કે સુષ્ઠુ સુષ્ઠુ વાતો નહીં. ગુજરાતીમાં કહીએ તો એક ઘા અને બે કટકા…અરે તેની વેશ્યા જીવન ગાળતી સુગંધી હોય કે ભાગલામાં પાગલ થતો ટોબાટેકસિંગ જ જોઇ લો…હતક (અપમાન) ની સુગંધી જ વાતમાં સ્ત્રીની પીડા, તડપ, જીજીવિષા, દગો,નાગાઇ,અભિમાન,અસલામતી …. કશું જ બાકી નહીં. ચાલો થોડી સુગંધીને મમરાવીએ..
સુગંધી નાની અને ગંદી ખોલીમાં રહીને વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલી છે. સુધરાઇનો મામૂલી કર્મચારી દારૂ પીને સુગંધીને ભોગવે છે અને મધ્યરાત્રીએ તેની ઘરરખ્ખુ પત્ની યાદ આવતાં ઘરે જાય છે. જાતને ચૂંથાયેલી સુગંધી સાવ થાકી ગઇ છે અને વહેલી પરોઢે એક દલાલ સુગંધી પાસે આવે છે. ગાડીમાં એક શેઠ છે, સારા પૈસા મળે તેવી લાલચે સુગંધી હળવો મેકઅપ કરીને જાય છે. અંધારામાં ગાડીમાં બેઠેલો શેઠ ટોર્ચ મારી સુગંધીને જુએ છે અને પસંદ પડતી નથી. શેઠ તેની સામે તુચ્છકાર કરીને ઉંહ બોલીને ગાડી ભગાવે છે. બસ, ઉંહ એટલે સુગંધીનો ઈગો હર્ટ….એ જ ક્ષણે સુગંધી વાસ્તવિકતા સમજવાની કોશિષ કરે છે. સુગંધી સામે થયેલું ઉંહ તેને છૂટા મોંએ રડાવી દે છે, તેના પ્રેમીની વાસ્તવિકતા તપાસવા પ્રેરે છે અને તેને કાઢી મૂકે છે. સુગંધીને પૈસા જોઇતા હતાં, પણ પડોશી મદ્રાસી મહિલા માટે… જેનો પતિ મરી ગયો હતો અને યુવાન પુત્રી વતનમાં એકલી હતી.
દેહવ્યાપાર સાથે ભવિષ્ય શું? કેટલા વર્ષ આ વ્યવસાયમાં જીવી શકાય? અચાનક તેને જોઇને કોઈ ઉંહ કહીને ના પાડી જાય એ પચાવવું તેના માટે અઘરું બની જાય છે.
તો લાયસન્સ તો વધારે કડવી વાસ્તવિકતા હતી. અબ્બૂ ટાંગો ચલાવે છે અને છોકરી નામે ઇનાયત એટલે કે નીતિ તેને વિષમ સંજોગોમાં ભેગી થાય છે. નીતિ સાથે રહેવાના ગુનામાં અબ્બૂ ને પોલીસ લઈ જાય છે અને બે વર્ષની સજા થાય છે. જેલમાં માંદગીમાં અબ્બૂ મરી જાય છે, નીતિ રોજગારી માટે ટાંગો ચલાવે છે. બાય ધ ટાંગો એટલે ઘોડાગાડી. શહેરમાં ખડભળાટ થઈ જાય છે કે એક સુંદર સ્ત્રી ટાંગો ચલાવે છે. ધીમે ધીમે નીતિની આવક વધતી જિય છે. અચાનક પુરુષ ટાંગાવાળા વિરોધ કરે છે. નીતિ નું લાયસન્સ જપ્ત કરવામાં આવે છે. નીતિ કોર્ટમાં જાય છે, કોર્ટમાં નીતિ સાદો સવાલ પૂછે છે કે શા માટે મહિલા ટાંગો ના ચલાવી શકે? જો મહિલા રેંટિયો ચલાવી શકે તો ટાંગો શા માટે નહીં? જજ મંજુરી આપતા નથી. નીતિ બજારમાં જઇને બેસ એવી સલાહ મળતા ન છૂટકે ટાંગો વેચી દે છે અને અબ્બૂની કબર પર જઇને નીતિ એટલું જ કહે છે કે લાયસન્સના ચક્કરમાં નીતિ મરી ગઈ અને બીજા દિવસથી શરીર વેચવાનો વ્યવસાય શરૂ…. નીતિ નામનો ઉપયોગ કરી કેટલો મોટો કટાક્ષ? તો સિરાજુદ્દીનની સકીલાની ખોલ દો આજે પણ થતાં મહિલા અત્યાચાર પર ક્રૂર કટાક્ષ છે. ભાગલા સમયે ખોવાયેલી સકીનાની લાશ મળી અને બાપ ડોક્ટર પાસે ઉભો છે. ડોક્ટર બાપ સિરાજુદ્દીને બારી ખોલ દો કહે છે દિકરી સકીનાનું મૃત શરીર પાયજામો ખોલી દે છે. માણસજાત પર આનાથી વધુ ક્યો ક્રૂર કટાક્ષ હોઇ શકે? સ્ત્રીના અલગ.અલગ ચહેરા, માણસની લાચારી અને ક્રૂરતાને… એક સાથે શેહશરમ રાખ્યા વગર લખવા માટે મન્ટોને ભારત અને આઝાદી પછી પાકિસ્તાની જેલમાં જવું પડ્યું હતું.
અરે હા, આઝાદીના પાગલપન સાથે લખેલી ટોબાટેકસિંગ…. પાગલોની હોસ્પિટલ, તેમાં પાગલોની આઝાદી માટે વાતો, પાગલો દ્વારા ભારત અને પાકિસ્તાન સમજવાના પ્રયાસ અને એમાં સર્જાતી હળવી પળો….ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રજા તો વહેંચાઈ ગઇ પણ આ પાગલોનું શું કરવું? હિન્દુ પાગલો ભારતને સોંપવા અને મુસ્લિમ પાગલ પાકિસ્તાન મોકલવામાં આવે એવા સરકારી નિર્ણય સાથે લખાયેલી વાર્તા એટલે ટોબાટેકસિંગ. એક મુસ્લિમ પાગલ પોતાને જિન્ના માનવા લાગ્યો તો એક સરદારજી પાગલ પોતાને માસ્ટર તારાસિંહ માનવા લાગ્યો…એક પાગલ તો હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલામાં એટલો પાગલ થઈ ગયો કે ભવિષ્યમાં થનારી સમસ્યાઓ પર કલાકો સુધી ઝાડ પર ચડીને ભાષણો આપવા લાગ્યો. એને તો બંને દેશો કરતાં ઝાડ વધુ સલામત લાગતું. વાર્તાનો હીરો બિઅંતસિંગ ઉર્ફે ટોબાટેકસિંગ તો ભારત પાકિસ્તાન સમજી શક્તો ન હતો. એક મુસ્લિમ પાગલ પોતાને ખુદા સમજતો. ખુદા પાસે ટોબાટેકસિંગ જઇને પૂછે છે કે હું ક્યાં છું, હિન્દુસ્તાન કે પાકિસ્તાનમાં? ખુદા સમજતો પાગલ કહે છે કે મેં તારા માટે કોઈ હુકમ નથી કર્યો, તો ટોબાટેકસિંગ તેને ગુસ્સામાં મારે છે અને કહે છે કે તું શીખોનો ખુદા હોત તો મારું કામ જલ્દી કર્યું હોત…ટોબાટેકસિંગ અદલાબદલી દરમિયાન સરહદ પર જ મરી જાય છે….
મૂળ કશ્મીરી એવા મન્ટોએ કામનો પ્રારંભ અનુવાદક તરીકે કર્યો અને વિશ્વ સાહિત્યના પ્રેમમાં પડ્યો. વિક્ટર હ્યુગો, ઓસ્કર વાઇલ્ડ, ચેખોવ, ગોર્કીના ભાષાંતરથી શરૂ કરી પહેલી વાર્તા જલિયાંવાલા બાગ પર લખી. મન્ટોની લખાણયાત્રા જાણે ટોબાટેકસિંગ પર અટકી. આમ તો નાટક, સ્ક્રિપ્ટ, નિબંધો લખતા, પણ મૂળે મન્ટો પ્રખ્યાત તો ટૂંકી વાર્તાઓ માટે જ થયા. મન્ટોની વાર્તાઓ ધૂંઆ, બૂ, ઠંડા ગોસ્ત, કાલી સલવાર અને ઉપર નીચે ઔર દરમિયાં પર અશ્લીલતાના કેસ થયા હતાં, જેમાં ચાર બ્રિટીશ ઇન્ડિયામાં અને એક પાકિસ્તાનમાં કેસ થયો હતો. મન્ટો હમેશા કહેતો કે, કોઈ સ્ત્રીને તેનો પતિ મારે છતાં તે પતિની સેવા કરે એ સ્ત્રી માટે મને કોઈ સહાનુભૂતિ નથી, પણ જે સ્ત્રી પતિ સાથે લડીને કે આત્મહત્યાની ધમકી આપીને ફરવા જાય તો મારું મન હમેશા તે સ્ત્રી માટે માન રહેશે….