વિદ્યાર્થીઓ માટે ખુશખબર: UGCએ વિદ્યાર્થીઓને કોલેજમાં પસંદગીના વિષય તરીકે NCC લેવાની મંજૂરી આપી.
અમદાવાદ: યુનવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ કોલેજમાં વિદ્યાર્થીઓને પસંદગીના વિષય તરીકે NCC (નેશનલ કેડેટ કોપ) લેવાની મંજૂરી આપી છે. UGC દ્વારા 15 એપ્રિલ 2021ના રોજ તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો આ એક હિસ્સો છે જેમાં NCCને નવી દિલ્હી સ્થિત નેશનલ કેડેટ કોપ મહાનિદેશાલય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવની પ્રતિક્રિયા રૂપે સામાન્ય પસંદગીના ક્રેડિટ અભ્યાસક્રમ (GECC) તરીકે ધ્યાનમાં લીધો છે.
ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પસંદગીના વિષય તરીકે NCCને સામેલ કરવાના વહેલી તકે અમલીકરણ માટે ગુજરાત નિદેશાલય અમદાવાદ સ્થિત NCC હેડક્વાર્ટર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
પ્રસ્તાવિત અમલીકરણ, જેનો અમલ આગામી શૈક્ષણિક સત્રમાં કરવાનું આયોજન છે, તેને ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. સરદાર કૃષિનગર દાંતીવાલા કૃષિ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ ડૉ. આર.એમ. ચૌહાણ અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના આદરણીય કુલપતિ શ્રી જે.જે.વોરાએ પહેલાંથી જ NCCને પસંદગીના વિષય તરીકે અમલમાં મુકવાની ઇચ્છા દર્શાવી દીધી છે.
B અને C પ્રમાણપત્ર માટે NCCનો અભ્યાસક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમ (CBCS) અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે. આ કવાયત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ છે જેમાં વિદ્યાર્થીઓ માત્ર સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા વિષયો સુધી સીમિત રહેવાના બદલે તેમના પસંદગીના વિષયો પસંદ કરી શકે છે. અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂરો કર્યા પછી, વિદ્યાર્થીઓને ક્રેડિટ પોઇન્ટ્સ આપવામાં આવે છે જેનાથી તેઓ પોતાની સંબંધિત પદવી માટે ક્વૉલિફાઇ થઇ શકશે. આ પ્રસ્તાવને રાષ્ટ્ર નિર્માણની દિશામાં એક દૂરંદેશી પગલાં તરીકે જોવામાં આવે છે.